5 વર્ષમાં 1900 સરકારી અધિકારી-કર્મચારીઓ લાંચ લેતા પકડાયા
તાજેતરમાં ગુજરાત એસીબીએ સૌથી મોટી કાર્યવાહી કરી કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડથી વધુની બેનામી સંપત્તિ જપ્ત કરી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં એસીબીએ બેનામી સંપત્તિના 75થી વધુ ગુના દાખલ કર્યા છે. જ્યારે પાંચ વર્ષમાં એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ રાજ્યભરમાં 830થી વધુ ટ્રેપ કરી 1990થી વધુ સરકારી અધિકારી-કર્મચારીઓ, 643 ખાનગી માણસો મળી કુલ 2630થી વધુને પકડ્યા છે. સુરતમાં સૌથી વધુ 637 લોકો લાંચ લેતા પકડાયા છે.
એસીબીએ 37 શહેર-જિલ્લાનું અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ અને બોર્ડર એમ સાત યુનિટમાં વિભાજન કર્યું છે. આ તમામ શહેર-જિલ્લાઓમાં એસીબીએ પાંચ વર્ષમાં કરેલી ટ્રેપમાં વડોદરા યુનિટ દર વર્ષે આગળ રહ્યું છે. વડોદરા યુનિટે સૌથી વધુ 175 ટ્રેપ કરી 350 સરકારી બાબુ અને 90 ખાનગી માણસોને પકડ્યા છે. સુરતમાં 135 અને અમદાવાદમાં 133 ટ્રેપ એસીબીએ કરી છે. જ્યારે 114 ટ્રેપ સાથે મહેસાણા ચોથા ક્રમે, 105 ટ્રેપ સાથે રાજકોટ 5મા ક્રમે, 102 ટ્રેપ સાથે બોર્ડરના જિલ્લા છઠ્ઠા ક્રમે, 70 ટ્રેપ સાથે જૂનાગઢ જિલ્લો સાતમા ક્રમે છે. ભ્રષ્ટ સરકારી બાબુઓને પકડવા છેલ્લા ઘણા સમયથી એસીબીને વધારે સક્રિય કરાયું છે. આ પાંચ વર્ષોમાં લાંચ-રુશ્વતના કેસોમાં સજાનો દર 23 ટકાથી વધીને 34 ટકા થયો છે.
5 વર્ષમાં કન્વિક્શન રેટ 2019માં સૌથી વધુ રહ્યો
એસીબીની કામગીરી બાદ કોર્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સજા પામેલા આરોપીઓનો કન્વિક્શન રેટ વર્ષ 2019માં વધુ રહ્યો છે. વર્ષ 2015માં કન્વિક્શન રેટ 19 ટકા, 2016માં 23 ટકા, 2017માં 29 ટકા, 2018માં 34 ટકા અને 2019માં 39 ટકા કન્વિક્શન રેટ રહ્યો હતો.