કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ટૂંક સમયમાં રાહત પેકેજ: CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આપી ખેડૂતોને આશ્વાસન
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ કુદરતી આફતની સ્થિતિમાં રાજ્ય સરકારે ધરતીપુત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને તેમને મદદરૂપ થવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાંથી સહાયરૂપ થવા માટે ખૂબ જ ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા પ્રત્યક્ષ રીતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણવામાં આવી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી પોતે સતત મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, રાજ્ય સરકાર ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને આ પગલું ભરશે.

