લદાખ સરહદે ચીને દગો કરીને ફરી સંખ્યાબંધ સૈનિકો ખડક્યા
પૂર્વ લદાખ સરહદે ભારત અને ચીનના તણાવ વચ્ચે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ચીને લદાખ સરહદે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. એટલું જ નહીં, ચીને સૈન્ય માળખું ઊભું કરીને પોતાના સૈનિકોની પોઝિશન પણ મજબૂત કરી લીધી છે. અહેવાલો પ્રમાણે, સરહદે અન્ય કેટલાક સ્થળે પણ ચીને સૈનિકોની સંખ્યા ચૂપચાપ વધારી દીધી છે. ગયા વર્ષે બંને દેશે 21 સપ્ટેમ્બરે કરાર કર્યો હતો કે, હવે સરહદે કોઈ દેશ પોતાના સૈનિકો નહીં વધારે. આ મુદ્દે બંને દેશે સંયુક્ત નિવેદન પણ આપ્યું હતું, પરંતુ હવે ચીને એ કરારનો ભંગ કર્યો છે.
ભારત અને ચીનની સેનાઓએ રવિવારે કોર કમાન્ડર સ્તરની નવમી બેઠક શરૂ કરી તેમાં આ ઘટસ્ફોટ થયો હતો. આ બેઠક ચીનના માલ્દોમાં યોજાઈ રહી છે. તેમાં ભારત-ચીન વચ્ચે આશરે નવ મહિનાથી લદાખમાં જારી તણાવ શાંત કરવાના વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે.
આ વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. તે માટેના ઉપાય કરવા માટે આઠ વખત વાટાઘાટો કરવામાં આવી ચૂકી છે. આ છતાં, કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. છેલ્લી વાર 6 નવેમ્બરના રોજ બંને સૈન્ય અધિકારીઓ વાતચીત માટે ચૂશુલમાં મળ્યા હતા. અઢી મહિના પછી મળેલી આ બેઠકમાં કોઈ સમાધાન થવાના આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- લદાખના દેપસાંગના પહાડી વિસ્તારોમાં સૈન્ય માળખું મજબૂત કર્યું
- દોલત બેગ ઓલ્ડી નજીક અનેક સ્થળે સૈનિકો તહેનાત કર્યા
- સરહદે સ્વૉર્મ ડ્રોન તહેનાત કર્યા. સસ્તા અને ઓછું વજન ધરાવતા આ ડ્રોન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીથી સજ્જ છે, જે કોઈ પણ લક્ષ્યને નિશાન બનાવી શકે છે.
ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો સતત બગડતા રહ્યા છે. બંને દેશનું સૈન્ય ભારે શસ્ત્રો અને હજારો સૈનિકો સાથેઆમને-સામને છે. ભારતે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેયના ખતરનાક કમાન્ડો આ વિસ્તારમાં તૈનાત કરી રાખ્યા છે. લડાકુ વિમાનો સતત ઉડાન ભઋ રહ્યા છે. કેટલાક મહિનાની સૈન્યની તૈનાતીથી તણાવ ઘટી રહ્યો નથી. ચીન તરફથી પણ આવી જ તૈયારીઓ છે.
29-30 ઓગસ્ટના રોજ ભારતે પેંગોંન્ગ તળાવના ઉત્તરીય અને દક્ષિણ કિનારા પર ઉચ્ચ શિખરો કબજે કર્યા હતા. આ દ્વારા તેને સૈન્ય રણનીતિમાં વધારો થઈ રહ્યો છે. ચીની સેનાએ ભારતને પહેલા સાઉથ બેંકમાંથી સૈનિકો અને ટેન્કો પાછા ખેંચવા જણાવ્યુ હતું. જ્યારે, ભારત તમામ તણાવપૂર્ણ ક્ષેત્રમાં ડિસએંગેજમેન્ટ માટે કહી રહ્યું છે.
ગયા વર્ષે મે મહિનાની શરૂઆતમાં પૂર્વ લદાખમાં ભારત-ચીનની સેનાઓ વચ્ચે એલએસી પર ઘર્ષણ શરૂ થયું હતું. ભારતના વિરોધ છતાં ચીને ત્યાં 50 હજાર સૈનિકો ખડક્યા હતા. ત્યાર પછી ભારતે પણ સૈનિકોની તહેનાતી વધારી દીધી હતી. બંને સેના વચ્ચે 15 જૂને આ જ વિસ્તારની ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. આ ઘટનામાં ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા, પરંતુ ચીને તે આંકડો જાહેર કર્યો ન હતો.