ગાંધીનગર

ત્રિરંગાને મેયરશ્રીના હસ્તે સલામી આપવા સાથે મહાનગર પાલિકા દ્વારા વાવોલમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ.

ગાંધીનગર
દેશના 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહાનગર પાલિકા દ્વારા મહાપાલિકામાં નવા ભળેલા વિસ્તાર વાવોલ ખાતે દબદબાભેર કરવામાં આવી હતી. મેયરશ્રી રીટાબેન પટેલના હસ્તે ત્રિરંગો ફરકાવીને રાષ્ટ્રગીતના ગાન સાથે સલામી ઝીલવામાં આવી હતી. મેયરશ્રીએ દેશને આઝાદિ અપાવનારા શહિદોને યાદ કરવાની સાથે આપેલા પ્રવચનમાં જણાવ્યું હતું કે વિકાસની હરણફાળમાં અગ્રેસર ગાંધીનગરમાં નવા 600 કરોડના કામોનું આયોજન કરાયું છે અને આ સિવાય માળખાકીય સુવિધા અને લોક કલ્યાણના કામની રૂપિયા 900 કરોડની યોજનાઓ પ્રગતિ હેઠળ છે અને 200 કરોડના ખર્ચના કામ પૂર્ણ કરાયા છે. ખાસ જાહેરાત કરતાં જણાવ્યું કે, ગાંધીનગર-કોબા-ઇન્દિરા બ્રિજ સુધીના એક્સપ્રેસ વેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં આ રસ્તાની સમાંતર આવેલ સર્વિસ રોડને ફૂટપાથ સાથે ચારમાર્ગીય કરવાની કામગીરી રૂ. ૮૮.૦૦ કરોડના ખર્ચે ટૂંક સમયમાં શરૂ કરવાનું આયોજન છે. મેયરશ્રીએ આ તકે ગાંધીનગરમાં મેટ્રો રેલ અને અયોધ્યામાં રામ મંદિર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો. સાથે જ મહામારી સામેની લડત માટે કોરોના વોરિયર્સ અને સ્વચ્છતા માટે સફાઇ કર્મયોગીઓની કાર્યનિષ્ઠાને મેયરશ્રી દ્વારા બિરદાવાઇ હતી. મેયરશ્રી દ્વારા કોરોના સંક્રમણ બાદ નિધન પામેલા કોર્પોરેટરશ્રી ધીરૂભાઇ ડોડિયાને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સાથે જ સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગતની વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી નાજાભાઇ ઘાંઘર, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી વાડીભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ પ્રભારીશ્રી ગાંધીનગર, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અશોકભાઈ પટેલ તથા પુનમભાઈ મકવાણા, વિપક્ષ નેતાશ્રી શૈલેન્દ્રસિંહ બિહોલા, શહેર ભાજપ પ્રમુખશ્રી રૂચિરભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ગુડા ચેરમેનશ્રી આશિષભાઈ દવે, પૂર્વ મેયરશ્રીઓ મહેન્દ્રસિંહ રાણા, પ્રવિણભાઇ પટેલ, હંસાબેન મોદી તથા શોભનાબેન વાઘેલા, તાલુકા પ્રમુખશ્રી જશુભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી પી. સી. દવે, કોર્પોરેટરશ્રીઓ, વાવોલ ગામના આગેવાનશ્રીઓ શૈલેષભાઈ પટેલ, વિક્રમસિંહ ગોલ, કુબેરસિંહ ગોલ, નગીનભાઈ નાડીયા તથા ભાજપ સંગઠનના મહામંત્રીશ્રીઓ કનુભાઈ, ગૌરાંગભાઈ અને ધર્મેન્દ્રસિંહ, વોર્ડ પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ તથા અલગ-અલગ સંસ્થાના મહાનુભાવો, નગરજનો, મહાનગરપાલિકાનાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.
વિકાસની વાત કરતાં મેયરશ્રી રીટાબેન પટેલે જણાવ્યુ હતું કે ગાંધીનગર મહાનગરપાલિકાનું સરકારશ્રી દ્વારા હદ વિસ્તરણ કરવામાં આવ્યું છે. ત્યારે મહાનગરપાલિકામાં આવેલા જુના વિસ્તારો તેમજ નવા ભળેલા વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટર, લાઈટ, બગીચાઓ, સફાઈ સહિત કામગીરીના આધુનિકરણ સાથે લોકોની સુવિધા માટે અનેકવિધ નવા આયોજન કરવામાં આવ્યા છે. તેમાં રસ્તાના કામ પાછળ 250 કરોડના ખર્ચનું આયોજન કરાયું છે. ગાંધીનગર શહેરમાં પીવાના શુદ્ધ પાણી માટે 219 કરોડના ખર્ચની યોજના અમલી કરાઇ છે. જ્યારે અંબાપુર, પોર, કુડાસણ, રાંદેસણ, રાયસણ, વાવોલ અને સરગાસણમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે 21 કરોડ ઉપરાંતના ખર્ચની યોજના કરાઇ છે. ગાંધીનગર શહેરમાં 50 વર્ષ જુની ગટર લાઇન બદલવા 254 કરોડના ખર્ચની યોજના તૈયાર કરવામાં આવી છે. જ્યારે કોલવડા, અમિયાપુર, કુડાસણ, રાંદેસણ, રાયસણ, વાવોલ, અંબાપુર, નભોઇમાં ગટર લાઇન માટે રૂપિયા 53 કરોડનો ખર્ચ કરાશે. વરસાદી પાણીના નિકાલ માટે સ્માર્ટ સિટી અંતર્ગત 52 કરોડના ખર્ચે 85 કિલોમીટરની લાઇન બિછાવી દેવાઇ છે. જ્યારે નવા વિસ્તારોમાં 50 કરોડના ખર્ચે ગુડા દ્વારા કામ શરૂ કરાયા છે. શહેરમાં વિવિધ સેક્ટરમાં 25 કરોડના ખર્ચે 15 બગીચા વિકસાવાઇ રહ્યાં છે અને 6 કરોડના ખર્ચે 6 બગીચાના કામ પૂર્ણ કરાયા છે. હવે નવા ભળેલા વિસ્તારોમાં મતલબ કે 18 ગામ અને 34 ટીપી વિસ્તારમાં નિર્ધારિત કરેલા 40 જેટલા પ્લોટમાં બગીચા વિકસાવવાની યોજના તૈયાર કરાશે.
અન્ય મુખ્ય વિકાસ કામોમાં નવા વિસ્તારોમાં ઇન્ટેલીજન્ટ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સાથે જોડાણ કરી અને ૧૫ જેટલા ટ્રાફિક સિગ્નલો, તમામ પ્રકારના સી.સી. ટીવી કેમેરા તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને લગતી તમામ સ્માર્ટ સુવિધાઓ તેમજ પ્રોપર્ટી ટેક્ષ સર્વેની જી.આઈ.એસ. સિસ્ટમની કામગીરી કરવા માટેનું ટેન્ડર રૂ. ૬૫.૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ સિટી યોજના હેઠળ બહાર પડાયું છે.જેનીકામગીરી ટૂંક સમયમાં શરુ થશે. સેક્ટર-૨૧માં પાર્કિંગ વ્યવસ્થા સુદ્રઢ કરવાનું કામ રૂ. ૧૫ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. સેક્ટર-૨૧માં હાલની લાયબ્રેરીની જગ્યાએ પાંચ માળની નવી આધુનિક અને ડીજીટલ લાયબ્રેરી બાંધવાનું કામ રૂ.૧૫ કરોડના ખર્ચે કરાશે. રૂ. ૨૫ કરોડના ખર્ચે ગાંધીનગરમાં સમાવિષ્ટ ૬ પ્રાથમિક શાળામાં નવા મકાનો (૧૫ રૂમ પ્રતિ શાળા) બનાવવાનું કામ ટુંક સમયમાં હાથ ધરાશે. શહેરના વિવિધ સેક્ટરોની ફરતે બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ રૂ. ૧૧.૬૫ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. સરકારશ્રીની સૂચના મુજબ સુંદર, લોકઉપયોગી ૮૧ પીકઅપ બસસ્ટેન્ડ બનાવવાનું કામ પ્રગતિમાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x