રેડીમેડ કાપડની દુકાનમાંથી ત્રણ બાળ મજુર મળી આવતાં દુકાન માલિક સામે ગુનો દાખલ
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમોની સાથે અન્ય સ્થળોએ પણ બાળ મજુરી અટકાવવા માટે બાળ સુરક્ષાની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે કલોલમાં રેડીમેડ કાપડની દુકાનમાંથી આ ટીમને ત્રણ બાળકો મળી આવ્યા હતા જેથી તપાસ કરતાં ૧૪ વર્ષથી નાની વયના હોવાનું બહાર આવતાં શ્રમ અધિકારીએ દુકાન માલિક સામે બાળ અને કિશોર મજુર અધિનિયમ હેઠળ ફરિયાદ આપતાં કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોની સાથે અન્ય કોઈ પણ વ્યવસાયિક એકમોમાં બાળકો પાસે કામ કરાવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. જેના અનુસંધાને જિલ્લા શ્રમ અધિકારી અને ચાઈલ્ડ વેલ્ફેરની ટીમો દ્વારા ઔદ્યોગિક એકમોની સાથે અલગ અલગ સ્થળોએ તપાસ કરીને બાળ મજુરો શોધવામાં આવતાં હોય છે ત્યારે કલોલમાં પણ આવા બાળ મજુરો શોધવા માટે શ્રમ અધિકારી કલોલ, ઔદ્યોગિક સેફટી એન્ડ હેલ્થ ઓફીસર, સામાજીક કાર્યકર તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રતિનીધિઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં રૃપરંજન રેડીમેઈડની દુકાનમાં ત્રણ જેટલા બાળકો કામ કરતાં મળી આવ્યા હતા. આ બાળકો ૧૪ વર્ષથી નાની ઉંમરના હોવાનું જણાતાં કલોલના શ્રમ અધિકારી ગીરીશકુમાર સીંધાવતે શહેર પોલીસ મથકમાં દુકાન માલિક નલીનકુમાર નારણભાઈ પટેલ રહે.ર આવકાર સોસાયટી, કલોલ સામે બાળ અને કિશોર મજુર અધિનિયમ હેઠળ ફરીયાદ આપતાં શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી અને બાળકોને મુક્ત કરી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જયાંથી તેમના વાલીઓને કબજો પણ સોંપી દેવાયો હતો