અમદાવાદમા 5 સ્થળે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનશે
અમદાવાદ :
શહેરમાં નવરંગપુરા, કાંકરિયા, કાંકરિયા ગેટ-2, લાલ દરવાજા એએમટીએસ કચેરી, પ્રેમ દરવાજા ખાતે માર્ચ સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો માટેનાં ચાર્જિંગ સ્ટેશન બનશે. તે માટે કેન્દ્ર સરકારની ઇઇએસએલ કંપની સાથે 10 વર્ષના એમઓયુ કરવામાં આવ્યા છે. આ પાંચ સ્ટેશન બાદ બીજા 100 સ્થળે ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે. એક સ્ટેશન પર એકસાથે 3થી 4 કાર ચાર્જ થઈ શકે તેવી સુવિધા હશે. જોકે યુનિટ દીઠ ચાર્જ તેના ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ ખર્ચ તેમ જ અન્ય બાબતોને ધ્યાને લઈ નક્કી કરાશે. કેન્દ્ર સરકારની કંપનીને જ જગ્યા આપવાની હોવાથી તેની પાસેથી જમીનને લગતો કોઈ ચાર્જ કે ભાડું વસૂલવામાં નહિ આવે. બીજી તરફ કંપની પણ તેની સામે મ્યુનિ.ને તેમના વેચાણમાંથી પ્રતિ યુનિટ 70 પૈસા જેટલો ચાર્જ ચૂકવશે. મ્યુનિ.માં ફરજ બજાવતા આસિ.મ્યુનિ. કમિશનર કક્ષાના 22 જેટલા અધિકારીઓને ઇલેક્ટ્રિક કાર આપવામાં આવી છે. મ્યુનિ.માં કેટલીક બીઆરટીએસ બસ ઇલેક્ટ્રિક સંચાલિત છે. આગામી દિવસોમાં વધુ ઈ-કાર આવે તેવી શક્યતા છે.