9100 કરોડના વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની મતગણતરી, 13 બેઠક પર 28 ઉમેદવારોનું ભવિષ્ય ખુલશે
9100 કરોડના વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની વ્યવસ્થાપક સમિતિ માટે ગુરૂવારે યોજાયેલી ચૂંટણીમાં 97.60 ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. સાત બેઠકો પર 100 ટકા મતદાન સાથે 13 મતદાન મથકો પર થયેલા મતદાનમાં 34 મતદારો મતદાનથી અળગા રહ્યા હતા. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની મતગણતરી યોજાઈ છે. જેથી 13 બેઠક પર 28 ઉમેદવારોનું આજે ભવિષ્ય ખુલશે.
કુલ 1418 મતદારોમાંથી 1384 મતદારોએ મતદાન કર્યું
સુરત અને તાપી જિલ્લામાં કુલ 18 બેઠકોમાંથી પાંચ બેઠકો પર વર્તમાન ચેરમેન નરેશ પટેલ અને ઉપપ્રમુખ સંદીપ દેસાઇ, બારડોલી બેઠક પર દીપક પટેલ, નયન ભરતીવાળા અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે 13 બેઠકો પર 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાય હતી. જેમાં 97.40 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 1418 મતદારોમાંથી 1384 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 34 મતદારો મતદાનથી અળગા રહ્યા હતા.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવારોએ એડીચોટીનું જોર લગાવ્યું
સાત બેઠકો ઓલપાડ, માંગરોલ, બારડોલી, ચલથાણ, સોનગઢ અને નિઝરના મતદાન મથકો પર 100 ટકા મતદાન થયું હતું. જ્યારે કામરેજમાં 98.36 ટકા, માંડવીમાં 98.02 ટકા, વ્યારામાં 98.29 ટકા, મહુવામાં 97.17 ટકા, જે.પી.રોડ 1 પર 95 ટકા અને જે.પી.રોડ 2 પર 92.01 ટકા મતદાન નોંધાયું છે. બેંકની સંચાલન સમિતિમાં સ્થાન મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.