ધો-10ના રિપીટરો જૂના કોર્સ મુજબ પરીક્ષા આપી શકશે
ધોરણ-10માં એનસીઇઆરટીનો અભ્યાસક્રમ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ વિષયમાં અમલી કર્યો છે. ત્યારે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને માર્ચ-2021માં તેમજ પૂરક પરીક્ષા-2021માં જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપી શકશે. ત્યારબાદ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાશે તેવો આદેશ શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. રિપીટર તેમજ ખાનગી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ દ્વારા ગણિત-વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી અને ઉર્દુની જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા માર્ચ-2020, પૂરક પરીક્ષા-2020 લેવાઈ હતી.
જુના અભ્યાસક્રમ મુજબ ધોરણ-10ની પરીક્ષામાં એક તક આપી હતી. જોકે કોરોનાને ધ્યાનમાં રાખીને ધોરણ-10ના રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓને પુન: એક વખત જુના અભ્યાસક્રમ મુજબ ઉપરોક્ત વિષયોની પરીક્ષા લેવાનો શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે.આથી ધોરણ-10ના રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓ માર્ચ-2021 અને પૂરક પરીક્ષા-2021માં જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે. તેથી હવે આવા વિદ્યાર્થીઓ તે મુજબ પરીક્ષા આપી શકશે.