સે-8, 24,27નાં રંગમંચ મનપાને સોંપવા હિલચાલ રહીશોને દિવસના 200ને બદલે 15000 ભાડે મળશે
સેકટર-8, 24 અને 27નાં 3 રંગમંચનું પાટનગર યોજના વિભાગ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકરણ બાદ પાર્ટી પ્લોટ જેવા લાગતાં રંગમંચો હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવા કવાયત હાથ ધરાઈ છે. મનપાને સોંપાશે તો રહીશોને 1 દિવસના રૂ. 200ને બદલે રૂ. 15000 જેટલા ભાડે નવાં રંગમંચો મળશે.મનપાને સોંપાયા બાદ આ રંગમંચોને જમીનદોસ્ત કરીને નવેસરથી બાંધકામ કરવામાં આવે છે જ્યારે પાટનગર યોજના વિભાગે પ્રવર્તમાન બાંધકામને તોડવાના બદલે તેનો ઉપયોગ કરીને રંગમંચોનું નવીનીકરણ કર્યું છે. આ રંગમંચોમાં ફ્લોરિંગ, ટાઈલ્સ, કલરકામ, વોટરપ્રૂફ ટેરેસ, રસોડું, લોન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
અગાઉની જેમ લગ્નપ્રસંગે કે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રંગમંચોનો ઉપયોગ થઈ શકે તે માટે સ્ટેજની બાજુમાં બે રૂમ રખાયા છે. અગાઉ મનપાને સે-16, 22, 28, 29 અને 30ના રંગમંચો સોંપવામાં આવ્યા હતા. આ રંગમંચોના નવીનીકરણ માટે ગાંધીનગર મનપાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે પાટનગર યોજના વિભાગે અંદાજે 4.5 કરોડમાં જ ત્રણ રંગમંચને પાર્ટીપ્લોટ જેવું રૂપ આપ્યું છે.
નવીન રંગમંચો ગાંધીનગર મનપાને સોંપાશે તો નાગરિકોએ અન્ય રંગમંચોની જેમ આ ત્રણ રંગમંચો માટે 15,000 ચૂકવવા પડશે. નાગરિકો પર આર્થિક બોજ ન વધારવા અને સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રંગમંચોનો બહોળો ઉપયોગ ઉપયોગ થાય તે માટે સરકાર સમક્ષ રજૂઆત થાય તેવી શક્યતા રહેલી છે.