ગાંધીનગર

રાજ્યના યુવાનોના કૌશલ્ય વિકાસની દિશામાં વિરાટ પગલું : ગુજરાતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (IIS) નો પ્રારંભ થશે

ગાંધીનગર :
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ટાટા ગ્રુપ સાથે મળીને ગાંધીનગરના નાસ્મેદ ગામ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (IIS) ની સ્થાપના કરવામાં આવી રહી છે.
ટાટા ગ્રુપની હાઈ પાવર્ડ ટીમ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ અધિકારી શ્રી એચ.એન. શ્રીનિવાસ, કાયદાકીય સલાહકાર શ્રી ઉદય ખરે અને તેમની ટીમનો સમાવેશ થાય છે. શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી વિપુલ મિત્રાએ ટાટા ગ્રુપને તાત્કાલિક ધોરણે આ અંગેની કામગીરી શરૂ કરવા જણાવ્યું છે. ટાટા ગ્રુપે આ અંગેનો એક્શન પ્લાન આપ્યો હતો અને બને તેટલી ઝડપથી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી.
ગુજરાત સરકાર અમદાવાદથી 20 કિલોમીટર દૂર આવેલા નાસ્મેદ ખાતે IIS માટેની કામગીરી શરૂ કરશે, જેનો ઉદ્દેશ હાઇલી સ્પેશિયલાઈઝ્ ક્ષેત્રોમાં તાલીમ આપવાનો છે. આ માટે રાજ્ય સરકારે ટાટા ગ્રુપને લગભગ 20 એકર જમીનની ફાળવણી કરેલી છે.
શ્રી વિપુલ મિત્રાએ જણાવ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનો ઉદ્દેશ તાલીમ આપવાનો અને ઉચ્ચ કૌશલ્યયુક્ત ટેક્નીકલ મેનપાવરને તૈયાર કરવાનો છે, જેથી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ક્લાઉડ બેઝ્ડ એપ્લિકેશન, સિમ્યુલેશન સોલ્યુશન્સ, ઇન્ડસ્ટ્રિયલ રોબોટ્સ, બિગ ડેટા એનાલિસિસ, ફેક્ટરી ઓટોમેશન, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, સ્માર્ટ મિકેટ્રોનિક્સ, પ્રિડિક્ટિવ મેઇન્ટેનન્સ, ડિજિટલ ક્વૉલિટી અને ડિઝાઈન જેવા ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ટ્રેડ્સ જેવાં હાઈલી સ્પેશિયલાઈઝ્ડ ક્ષેત્રોની કૌશલ્યવાળા કર્મચારીઓની માંગને પૂરી કરી શકાય. આ ઉપરાંત, આવા ક્ષેત્રોમાં ડિફેન્સ, એરોસ્પેસ, ઓઇલ અને ગેસ સંબંધિત વેપારનો પણ સમાવેશ થાય છે.
ટાટા ગ્રુપ દ્વારા રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ સાથે મળીને બિન-નફાકીય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડ પર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સની સ્થાપના થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ઇન્સ્ટિટ્યૂટ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા મૂડીરોકાણ કરવામાં આવી રહ્યું છે.
શ્રી વિપુલ મિત્રાએ કહ્યું, “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMs) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IITs) ની સમકક્ષ તાલીમ માટેની એક મુખ્ય સંસ્થા તરીકે ઉભરી આવશે. ભવિષ્યની ઔદ્યોગિક માંગોને ધ્યાનમાં રાખીને રાજ્યના યુવાઓને યોગ્ય તાલીમ આપીને તેમના કૌશલ્યનો વિકાસ કરવાની દિશામાં આ એક ખૂબ મોટું પગલું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થયાના પાંચ વર્ષ પછી તેમાંથી 70%ના પ્લેસમેન્ટ ટાર્ગેટ સાથે ઓછામાં ઓછા 5000 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થશે.”
અમદાવાદ ઉપરાંત, કેન્દ્ર સરકારે મુંબઈ અને કાનપુરમાં પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સને મંજૂરી આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x