શેરી ફેરિયાઓની આત્મ નિર્ભરતા માટે સ્વનિધિ સે સમૃદ્ધિ કેમ્પમાં મેયરશ્રી ઉપસ્થિત રહ્યાં
ગાંધીનગર:
શેરી ફેરિયાઓ આજીવિકા માટે તેમનો વ્યવસાય શરૂ કરી શકે તેના માટે તેમને વર્કિંગ કેપિટલ લોન અપાવવા વડાપ્રધાનશ્રી સ્ટ્રીટ વેન્ડર આત્મ નિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) નામની યોજના કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. જેના અંતર્ગત શેરી વિસ્તારમાં વ્યવસાય કરતા ફેરિયાઓને રૂપિયા 10 હજારની લોન આપવામાં આવે છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આ સંબંધમાં યોજવામાં આવેલા કેમ્પમાં મેયરશ્રી રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમના હસ્તે શેરી ફેરિયાઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ યોજના અંતર્ગત લોન માટે અરજી કરેલા ફેરિયાઓને સામાજીક અને આર્થિક ધારા ધોરણ અંગેની માહિતી ભરવાની થતી હોય સ્વનિધિ સે સમૃદ્ધિ નામથી કેમ્પનું આયોજન સેક્ટર 22ના રંગમંચ પર કરવામાં આવ્યુ હતું. જેમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓની સોસિયો-ઇકોનોમિક પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી અને નિયમાનુસાર ઓનલાઇન અપડેટ કરવામાં આવી હતી. ઉપરોક્ત યોજનાકીય સ્ટોલમાં ઉપસ્થિત રહીને મેયરશ્રી રીટાબેન પટેલ દ્વારા લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ તકે કોર્પોરેટરશ્રી હર્ષાબા ધાધલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી પી. સી. દવે તથા મેડિકલ ઓફિસરશ્રી ડૉ. કલ્પેશ ગોસ્વામી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.