તાલુકા પંચાયત અને નગરપાલિકામાંથી 4 અપક્ષે ઉમેદવારી ફોર્મ ભરી શ્રીગણેશ કર્યાં
ચુંટણીના ફોર્મના વિતરણના બીજા દિવસે તાલુકા પંચાયતમાં ત્રણ અને નગરપાલિકામાં એક સહિત કુલ 4 અપક્ષોએ ઉમેદવારી નોંધાવીને શ્રીગણેશ કર્યા છે. જ્યારે બીજા દિવસે સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે કુલ 257 ફોર્મનું વિતરણ થયું હતું. જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત આવતીકાલ બુધવાર સાંજ સુધીમાં થાય તેવી શક્યતા રહેલી છે.
સ્થાનિક સ્વરાજની ચુંટણીના ફોર્મના વિતરણ સાથે કામગીરીમાં વેગ આવ્યો છે. ત્યારે બીજા દિવસે ફોર્મનું વિતરણ થયું તેની સાથે સાથે ચાર અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરતા રાજકીય દાવપેચ શરૂ થયા છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયતની 28 સીટો, જ્યારે કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયતની કુલ 80 સીટો તેમજ દહેગામ અને કલોલ નગરપાલિકાની કુલ 18 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બીજા દિવસે કુલ 257 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેની સામે 4 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પ્રથમ દિવસે 384 ફોર્મનું અને બીજા દિવસે 257 ફોર્મનું વિતરણ થતાં આ વખતની સ્થાનિક સ્વરાજની ચુંટણી કશ્મકશનો જંગ બની રહેશે તેવી પણ શક્યતા રહેલી છે. ચુંટણીના ફોર્મના વિતરણને જોતા આ વખતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો રહેવાની પણ એટલી જ શક્યતા રહેલી છે. જોકે સાચું ચિત્ર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પછી જ પડશે.
માણસા તાલુકા પંચાયત માટે 3 અપક્ષે ફોર્મ ભર્યાં
માણસા તાલુકા પંચાયતની ચુંટણી માટે બીજા દિવસે ત્રણ અપક્ષોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ઇટાદરાની સીટ ઉપર ફિરોજખાન અહેમદખાન પઠાણે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જ્યારે રિદ્રોલ સીટ ઉપરથી દિપીકાબેન કાળાભાઇ પટેલ અને નિમિષાબેન રસિકભાઇ પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ રાજકીય પક્ષોના એકપણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મનું વિતરણ
તાલુકા | જિ.પંચાયત | તા.પંચાયત | પાલિકા |
ગાંધીનગર | 27 | – | – |
કલોલ | 13 | 53 | 51 |
માણસા | 28 | 11 | 6 |
દહેગામ | 15 | 29 | 24 |
કુલ | 83 | 93 | 81 |
કલોલ પાલિકામાં 1 અપક્ષે ફોર્મ ભર્યું: વધુ 116 ફોર્મનું વિતરણ
બીજા દિવસે કલોલ નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડનં 6 માં બારોટ જયેશભાઈએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે. આ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કલોલ પંથકમાંથી 116 ફોર્મનું વિતરણ થયુ હતું કલોલ નગરપાલિકાની 44 બેઠક માટે 51 ફોર્મ, તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 52 ફોર્મ અને જિલ્લા પંચાયતની 6 બેઠક માટે વધુ 13 ફોર્મનું વિતરણ થયુ હતું.પ્રથમ દિવસે ચૂંટણી માટે 213 ફોર્મનું વિતરણ થયુ હતું.
માણસા તા.- જિ. પંચાયત માટે 39 ફોર્મ, પાલિકા માટે 3 ફોર્મનું વિતરણ
માણસા તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે ગઈકાલથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે આડત્રીસ ફોર્મનો ઉપાડ થયો હતો તો આજે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે 39 ફોર્મ તથા નગરપાલીકાની બે બેઠકો માટે ત્રણ ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે. તો આજે ઇટાદરા બેઠક પરથી એક વ્યક્તિએ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું છે. જ્યારે રીદ્રોલ બેઠક પરથી બે વ્યક્તિઓએ ઉમેદવારી ફોર્મ મામલતદાર કચેરીમાં જમા કરાવ્યા છે.