ચૂંટણી કામગીરીના કર્મચારીઓને મતદાનના બીજા દિવસે રજા મળશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાનના બીજા દિવસે રજા આપવા અને આ રજાને ઓન ડયુટી ગણવા માટે કામગીરીમાં રોકાયેલા શિક્ષકો વતી મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ દ્વારા ચૂંટણીપંચને રજૂઆત કરવામા આવી હતી. જેને ચૂંટણી પંચે સ્વીકારી લેતા હવે ચૂંટણી કર્મચારીઓને મતદાનના બીજા દિવસે રજા આપવામા આવશે અને જે ચૂંટણી ફરજ પરનો સમયગાળો ગણી લેવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા ચૂંટણીપંચને ચૂંટણીના બીજા દિવસે રજા આપવા અને તેને ચાલુ ફરજ ગણી લેવા રજૂઆત કરવામા આવી હતી. દરેક ચૂંટણીમાં શિક્ષકોને કામગીરી સોંપવામા આવે છે ત્યારે મતદાનના દિવસે સાહિત્ય સહિતની અન્ય સામગ્રી જમા કરાવવા સાથે મોડી રાત સુધી કામગીરી ચાલતી હોય છે.જેને લઈને શિક્ષકો બીજા દિવસે તેમની મૂળ ફરજ પર હાજર થઈ શકતા નથી. જેથી શિક્ષકોને નુકશાન જાય છે.
આ બાબતને લઈને શિક્ષક મંડળ દ્વારા કરાયેલી રજૂઆતને રાજ્ય ચૂંટણી પંચે માન્ય રાખતા હવે ચૂંટણી પરના તમામ કર્મચારીઓને મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની ચૂંટણીના બીજા દિવસે રજા આપવામા આવશે અને જેને ફરજ પરનો સમયગાળો ગણવામા આવશે.પ્રથમવાર લેવાયેલા આ નિર્ણયથી શિક્ષકોમાં ભારે ખુશી ફેલાઈ છે.