દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાનો પવન છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના દાહોદ-પંચમહાલ-છોટા ઉદેપુર-નર્મદા-તાપી-ડાંગ-નવસારી-વલસાડ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ તેમજ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડી શકે છે. જોકે, રાજ્યમાં આ સિવાય અન્યત્ર સૂકું વાતાવરણ રહેશે.રાજ્યભરમાં આગામી બે દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આ પછીના ૩ દિવસમાં તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી.’ ગત રાત્રિએ ૧૧.૮ ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું જ્યારે આજે દિવસ દરમિયાન ૩૫.૧ ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ૩૩.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૪ ડિગ્રીનો વધારો જ્યારે ૧૭.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩.૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૮થી ૨૦ જ્યારે સરેરાશ મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યમાંથી અન્યત્ર વલસાડમાં ૧૨, કેશોદમાં ૧૨.૮, પોરબંદરમાં ૧૪.૪, દીવમાં ૧૪.૫, ગાંધીનગર-ડીસામાં ૧૪.૮, રાજકોટમાં ૧૬, વડોદરામાં ૧૬.૨, ભાવનગરમાં ૧૮.૪, સુરતમાં ૧૯.૮ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.