ધો. 6 થી 8ના વર્ગોમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની 35 ટકા હાજરી
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી જતા સરકાર દ્વારા તબક્કાવાર અનલોક થતા શિક્ષણમાં આજે 18મીથી રાજ્યમાં ધો.6થી8ની સ્કૂલો શરૂ કરવામા આવી છે.આજે પ્રથમ દિવસે સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 35 ટકા હાજરી નોંધાઈ છે.
સરકાર દ્વારા રાજ્યમાં 11મી જાન્યુઆરીથી સ્કૂલો શરૂ કરવામા આવી છે.પ્રથમ તબક્કામાં ધો.10-12 અને ત્યારબાદ ધો.9 અને 11 અને આજથી ધો.6થી8ના વર્ગો રેગ્યુલર શરૂ કરવામા આવ્યા છે.આજે પ્રથમ દિવસે સરકારી સ્કૂલોમાં 35 ટકા જેટલી હાજરી વિદ્યાર્થીઓની નોંધાઈ છે.
ધો.6થી8ની કુલ 33936 સ્કૂલોમાં ધો.6માં 621406 વિદ્યાર્થીઓમાં 219238 વિદ્યાર્થીઓ હાજર રહયા હતા અને 35.28 ટકા હાજરી રહી હતી. ધો.7માં 562230 વિદ્યાર્થીમાંથી 193134 વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને 34.35 ટકા હાજરી નોંધાઈ હતી. ધો.8માં 644601 વિદ્યાર્થીમાંથી 208362 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 34.46 ટકા હાજરી નોંધાઈ હતી.
ધો.6થી8માં ઓવરઓલ 34.71 ટકા વિદ્યાર્થી હાજરી રહી હતી. લગભગ 11 મહિના બાદ સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓ મિત્રો અને શિક્ષકોને મળી અને કલાસરૂમમાં ભણીને ખુશ થયા હતા. મહત્વનું છે કે સરકારનો આદેશ છતાં મોટા ભાગની ઘણી સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ હવે બંધ કરવાની વાલીઓને સૂચના આપી છે.