અપક્ષ ઉમેદવારના પત્નીના નામનો જ કોઇ વોટ નાખી જતા હોબાળો
વડોદરા :
વોર્ડ નં.૧૩માં મ્યુઝિક કોલેજ બૂથ ઉપર આજે બોગસ મતદાન થયુ હોવાના આક્ષેપો સાથે હોબાળો મચી ગયો હતો. અપક્ષ ઉમેદવારની પત્નીના નામનો મત બીજુ કોઇ નાખી ગયુ હોવાના આક્ષેપ સાથે પુનઃ મતદાનની માગ કરવામાં આવી છે જો કે પોલિંગ ઓફિસરે આ આક્ષેપને નકારી દીધો હતો.
વોર્ડ નં.૧૩માં શૈલેષ ખારવા નામના ઉમેદવારા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આજે બપોરે તેમના પત્ની કોમલબેન મ્યુઝિક કોલેજ બૂથ ઉપર મતદાન માટે પહોંચ્યા ત્યારે અધિકારીએ તેમને કહ્યું હતું કે તમારો મત તો પડી ગયો છે. ચોંકી ઉઠેલા કોમલબેને મતદાનના પુરાવા માગતા અધિકારીએ કહ્યું હતું કે આઇડી કાર્ડ ચેક કરીને મતદાન કરવા દેવામાં આવ્યુ છે અને તેમા તમારી સહી પણ છે.
કોમલબેને તુરંત અધિકારીને કહ્યું હતું કે હું આવી જ નથી તો મત ક્યાંથી આપુ અને જો મે મત આપ્યો હોય તો મારી આંગળી ઉપર શાહીની નિશાની હોવી જોઇએને આ જોઇ લો મારી આંગળી ઉપર ચિન્હ કરવામાં નથી આવ્યુ. જો કે અધિકારીઓએ કોમલબેનના દાવાને નકારી કાઢ્યો હતો
કોમલબેનના પતિ અને અપક્ષ ઉમેદવાર શૈલેષ ખારવાએ આક્રોશ સાથે કહ્યું હતું કે બપોર સુધી ઓછુ મતદાન થતાં સત્તાધારી પક્ષને હાર દેખાઇ રહી છે એટલે બોગસ મતદાન કરાવી રહ્યા છે. બોગસ મતદાન જ કરવાનું હોય તો ચૂંટણી ખર્ચનો બોજો પ્રજા ઉપર કેમ નાખો છો. સીધી સત્તા જ હાંસલ કરી લો. આ બૂથ ઉપર થયુ છે તેમ અન્ય બૂથો ઉપર પણ બોગસ મતદાનની પુરી શક્યતા છે. હું આ મામલે મ્યુઝિક કોલેજ બૂથ ઉપર પુનઃ મતદાનની માગ સાથે ફરિયાદ કરવાનો છું.