કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશથી દબાણકારોમાં ફફડાટ
ગાંધીનગર,
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં વાઈબ્રન્ટ સમિટના પગલે મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. પરંતુ સમિટ પુરી થયા બાદ દબાણો યથાવત થઈ ગયા હતા ત્યારે કોર્પોરેશનની દબાણ હટાવ ટીમે આ દબાણોને હટાવવાનું શરૃ કર્યું છે. સે-૧૧ બાદ આજે રોડ નં.પ ઉપર એલડીઆરપી કોલેજ સામે ઉભી થઈ ગયેલી ખાણીપીણી બજારને હટાવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ કોપોરેશન દ્વારા આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
ગાંધીનગર શહેરમાં જાન્યુઆરી મહિનામાં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં દેશવિદેશના મહાનુભાવો આવવાના હોવાથી કોર્પોરેશન સહિતના વિવિધ તંત્રોએ શહેરમાં ઉભા થયેલા દબાણો હટાવવા માટે ઝંપલાવી દીધું હતું. આ દબાણો હટી જવાના કારણે ગાંધીનગર શહેર દબાણમુક્ત સ્વચ્છ દેખાતું હતું. પરંતુ જેવી તા.૧૩મી જાન્યુઆરીએ સમિટ પૂરી થઈ કે તરત જ શહેર યથાવત સ્થિતિમાં આવી ગયું હતું. માર્ગો ઉપર એ જ લારીગલ્લાનો અડીંગો અને દબાણો ઉભા થઈ ગયા હતા. ત્યારે કોર્પોરેશનને મળેલી ફરિયાદોને પગલે દબાણ શાખાના અધિકારી મહેશ મોડ અને તેમની ટીમે ફરીવાર આ દબાણો હટાવવાનું શરૃ કર્યું છે. ગઈકાલથી શરૃ થયેલી ઝુંબેશ અંતર્ગત શહેરના સે-૧૧માં ફુટપાથ અને પાર્કીંગમાં ઉભા થઈ ગયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા. તેમજ રોડ નં.પ ઉપર એલડીઆરપી કોલેજની સામે ફુટપાથ ઉપર ઉભા થયેલા ખાણીપીણી બજારના દબાણોને હટાવવામાં આવ્યા હતા.