ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડિઝીટલ સરકારનો ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સીસ્ટમનો ફિયાસ્કો
ગાંધીનગર,
ગાંધીનગર સહિત રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં ડિજીટલ સરકારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સીસ્ટમ શરુ કરીને દર્દીઓ પોતાના સમયે સિવિલના ડોક્ટર્સ પાસે નિદાન અને સારવાર કરાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુવિધા શરુ કરે એક મહિનો થઇ ગયો છતા ફક્ત પાંચ જ દર્દીઓએ તેનો લાભ લીધો છે.પ્રચાર-પ્રસારના અભાવે આ સીસ્ટમનો ઉપયોગ નહીંવત્ થયો છે.
દર્દીઓને લાઇનમાં ન ઉભુ રહેવું પડે અને દર્દી પોતાના પસંદગીના ડોક્ટર પાસે સિવિલમાં નિદાન કે સારવાર કરાવી શકે તે માટે ડિઝીટલ રાજ્ય સરકારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ શરુ કરી છે. જેમાં કોર્પોરેટ હોસ્પિટલની જેમ દર્દી hospital appointment. gujarat. gov.in ઉપર જઇ ગાંધીનગર સિવિલના ડોક્ટર અને પોતાના સમયે ઓપીડીમાં જઇને સારવાર કરાવી શકે છે જેનાથી દર્દીનો સમય પણ બચે છે. આ સિસ્ટમ ઓનપેપર ખુબ જ અનુકુળ છે પરંતુ સિવિલમાં મોટાભાગે ગ્રામ્યવિસ્તારના દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યારે આ દર્દીઓને આ અંગે પુરતો ખ્યાલ પણ નથી તેવા સંજોગોમાં આરોગ્ય વિભાગ દ્વારા આ ઓનલાઇન સીસ્ટમ અંગે પ્રચાર-પ્રસાર ફણ કરવામાં આવ્યો નથી. જેના કારણે ઓનલાઇ એપોઇન્ટમેન્ટ સીસ્ટમને ગાંધીનગર સિવિલમાં મોળો પ્રતિસાદ સાંપડયો છે.
ગાંધીનગર સિવિલમાં એક મહિનામાં બે હજારથી વધુ ઓપીડી કેસ હોય છે તેની સામે ઓનલાઇન એપોઇન્ટમેન્ટમાં એક માસમાં ફક્ત પાંચ દર્દીઓ જ નોંધાયા છે. તેવી સ્થિતિમાં આગામી દિવસોમાં આ અંગે પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવશે.