હવે ગુજસેટથી મુક્તિ: પેરા મેડિકલમાં ધો.12 સાયન્સના પરિણામના આધારે પ્રવેશ
ગાંધીનગર:ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ-ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપથી,નેચરોપથીમાં વર્ષ 2017-18માં નીટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. જ્યારે નર્સિંગ, ફિઝિયોથેરપી સહિતના પેરામેડિકલ અભ્યાસક્રમમાં ધો. 12 સાયન્સના ફિઝિકસ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના થિયરીના માર્કના આધારે પ્રવેશ ફાળવાશે તેમ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મેડિકલ-ડેન્ટલમાં નીટ અને બાકીના અભ્યાસક્રમમાં ગુજસેટ અને ધો. 12 સાયન્સના આધારે પ્રવેશની પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓને ત્રણ પરીક્ષાની તૈયારી કરવાની માનસિક યાતના ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. આથી વાલીઓએ રાજ્ય સરકારને પ્રવેશ પ્રક્રિયા સરળ કરવાની રજૂઆત કરી હતી. પરિણામ સ્વરૂપ ગુજરાત સરકારે પેરામેડિકલમાં પ્રવેશ માટે ગુજસેટને રદ કરવાની જાહેરાત કરી છે.
12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરવાનું ભારણ
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકારે અગાઉ મેડિકલ-ડેન્ટલમાં નીટના આધારે પ્રવેશ ફાળવવાનો નિર્ણય લીધો હતો. મેડિકલ-ડેન્ટલ સિવાયના કોર્સ માટે ગુજસેટ લેવાનું અગાઉ નક્કી થતા મેડિકલ-ડેન્ટલ માટે નીટ, આયુર્વેદિક, હોમિયોપથી,નેચરોપથી સહિતના પેરામેડિકલ અભ્યાસક્રમ માટે ગુજસેટ લેવાની હતી. વળી, પેરામેડિકલમાં પ્રવેશ માટે મેરિટ ગુજસેટ અને ધો. 12 સાયન્સમાં મેળવેલા માર્કના આધારે તૈયાર કરવાનું હતું. આથી વિદ્યાર્થીઓ માટે નીટ, ગુજસેટ સાથે ધો. 12 સાયન્સમાં પણ સારા માર્ક મેળવવાની તૈયારી કરવી ફરજિયાત થઇ ગઇ હતી. એક વિદ્યાર્થી પર નીટ, ગુજસેટ અને ધો. 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરવાનું ભારણ આવ્યું હતું.
12 સાયન્સના માર્ક ગણતરીમાં લેવાનો નિર્ણય
પરિણામે વાલીઓએ રાજ્ય સરકારને એવી રજૂઆત કરી હતી કે ત્રણ પરીક્ષામાંથી કોઇ એક પરીક્ષા જ રાખવી જોઇએ. બીજીબાજુ કેટલાક વાલીઓએ એવી રજૂઆત કરી હતી કે નીટ જ પ્રવેશ માટે ફરજિયાત થઇ ગઇ હોવાથી અલગ અલગ શિક્ષણ બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બેઠકોની વહેંચણી માટે નક્કી કરાયેલી પ્રોરેટા પદ્ધતિ દૂર કરવી જોઇએ. વાલીઓની રજૂઆતના પગલે રાજ્ય સરકારે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપથી અને નેચરોપથી માટે નીટ અને નર્સિંગ, ફિઝિયોથેરપી સહિતના પેરામે઼ડિકલ કોર્સમાં પ્રવેશ માટે ધો. 12 સાયન્સના માર્ક ગણતરીમાં લેવાનો નિર્ણય કર્યો છે.