ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

હવે ગૌહત્યાનો કાયદોઃ ગાયને કતલખાને લઇ જવાનો ગુનો બિનજામીનપાત્ર બનશે

ગાંધીનગરઃ ચૂંટણીના વર્ષે રાજ્ય સરકાર દારૂબંધી બાદ હવે ગૌહત્યા અને ગાયોને કતલખાને લઇ જવાની પ્રવૃત્તિ ઉપર વધુ નિયંત્રણ લાવવા માટેનો કાયદો કડક બનાવવા જઇ રહી છે. હિન્દુ સંસ્કૃતિમાં માતા તરીકે પૂજાતી ગાયની હત્યા અને ગેરકાયદેસર હેરફેર કે કતલખાને લઇ જતી રોકવા માટે હાલની 5 વર્ષની સજાની જોગવાઇ વધારીને 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ ઉપરાંત આ ગુનાને બિનજામીનપાત્ર બનાવવાની વિચારણા સરકારે હાથ ધરી છે.
સાથે દંડની રકમમાં પણ પાંચ ગણો વધારો કરી હાલની રકમ 5 હજારને બદલે 25 હજારનો દંડ કરવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર વિધેયક લાવી કાયદામાં સુધારો કરશે. અગાઉ નરેન્દ્ર મોદીમુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2011માં આ કાયદામાં સુધારો કરીને સજા અને દંડની જોગવાઇ વધારાઇ હતી. પરંતુ હાલની સ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર વધુ એકવાર કાયદામાં સુધારો કરશે.
ગત વર્ષ ગૌમાંસના મામલે દેશભરમાં હોબાળો થયો હતો
ગત વર્ષે ગૌમાંસ સહિતના મામલે દેશભરમાં ભારે હોબાળો મચ્યો હતો અને ગુજરાતમાં પણ ગાયોને કતલખાને લઇ જતા પકડાવાના કિસ્સા મોટી સંખ્યામાં બને છે ત્યારે આ ગુનામાં વધુ કડક સજાની જોગવાઇ દાખલ કરવા કવાયત શરૂ કરાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ પશુપાલન વિભાગ અને કાયદા વિભાગ દ્વારા સંયુક્તરીતે વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને સજા તેમજ દંડની જોગવાઇઓ અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
જેને મુખ્યમંત્રીની મંજૂરી બાદ વિધેયક વિધાનસભામાં રજૂ કરાશે. ગુજરાત એનિમલ પ્રિવેન્શન એક્ટ-1954માં વર્ષ 2011માં સુધારો કરાયો ત્યારે જેલની સજા 6 મહિનાથી વધારીને 2 વર્ષ અને દંડ 1 હજારથી વધારી 5 હજાર કરવામાં આવ્યો હતો. હવે આ ગુનામાં 5 ગણી સજા અને દંડની જોગવાઇ કરાશે. સાથે ગાયોને કતલખાને લઇ જતા પકડાયેલા વાહન છોડવાની સમયમર્યાદામાં પણ વધારો કરવાની વિચારણા કરાઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x