સે-૩૦માં બંધ મકાનનું તાળું તોડી રૃા.૧.૬૩ લાખની ચોરી
ગાંધીનગર,
ગાંધીનગર શહેર નજીક આવેલા આસપાસના ગ્રામ્યમાં છેલ્લા એક મહિનાથી તસ્કરોએ પોલીસની ઉંઘ હરામ કરી નાંખી છે. એક પછી એક બંધ મકાનના તાળાં તોડી તસ્કરો લાખો રૃપિયાની માલમત્તા ચોરી જવામાં સફળ થઈ રહયા છે અને પોલીસ પેટ્રોલીંગ ઉપર અનેક પ્રશ્નો ઉભા થઈ રહયા હતા ત્યારે હવે સેકટરોમાં પણ તસ્કરોએ પોલીસને હંફાવી દીધી છે. શહેરના સે-૩૦માં એક બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ ૧.૬૩ લાખની મત્તા ચોરી કરી લીધી હતી. આ ઘટના અંગે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
દર વર્ષે પોલીસ દ્વારા શિયાળાની ઋતુ દરમ્યાન ઘરફોડ ચોરી અટકાવવા માટે એકશન પ્લાન બનાવવામાં આવતો હોય છે પણ આ પ્લાન ફકત કાગળ ઉપર જ રહેતો હોય તેમ બંધ મકાનોના તાળાં તોડી તસ્કરો પોલીસને હંફાવી રહયા છે ત્યારે ગાંધીનગર આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં નવી બનેલી સ્કીમોમાં ઘરફોડ ચોરીઓના કારણે વસાહતીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી ત્યારે છેલ્લા એક મહિના દરમ્યાન ત્રીસથી વધુ મકાનોમાં ચોરી થઈ હોવા છતાં પોલીસે હજુ સુધી એકપણ ગુનો ઉકેલ્યો નથી કે નવા બની રહેલા ગુનાને અટકાવવામાં સફળતા પણ મેળવી નથી. ત્યારે શહેરના સે-૩૦માં આવેલા મકાન નં.૬૧૫/૧માં રહેતાં અને નિવૃત અધિકારી રમણભાઈ આત્મારામભાઈ પટેલ તેમનું મકાન બંધ કરીને કડી મુકામે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનનુ ંતાળું તોડયું હતું અને મકાનમાંથી રૃા.૩૫ હજાર અને સોનાચાંદીના દાગીના મળી ૧.૬૩ લાખની મત્તા ચોરી લીધી હતી. આજે બપોરે ઘરે પરત આવેલા રમણભાઈને આ ચોરીની ઘટના અંગે જાણ થતાં તેમણે સે-ર૧ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળ પહોચી હતી અને ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી છે.