ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો રૂ. 250 ચાર્જ ચૂકવવો પડશે.
સામાન્ય નાગરિકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં 60 વર્ષથી વધુ ઉંમરના તથા 45થી વધુ ઉંમરના બીમાર લોકોને આ વેક્સિન આપવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એના માટે થોડો ચાર્જ ચૂકવવો પડશે. કોરોના વેક્સિનની કિંમત કેટલી હશે એની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. આખરે સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી દીધી છે. કોરોનાની વેક્સિન સરકારી હોસ્પિટલમાં મફતમાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝ 250 રૂપિયામાં મળશે. આ કિંમતમાં 150 રૂપિયા કોરોના વેક્સિનના અને 100 રૂપિયા એડમિનિસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો છે.
ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરી શકાશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને Empowered Group on Vaccine Administrationના ચેરમેન ડૉ. આર.એસ. શર્મા દ્વારા આયોજિત બેઠકમાં દરેક રાજ્ય-કેન્દ્ર શાસિત રાજ્યોના સ્વાસ્થ્ય- સચિવ હાજર રહેશે. બેઠકમાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન ત્રણ પ્રકારથી કરી શકાશે. Co-Win 2.0 અથવા આરોગ્ય સેતુ એપની મદદથી એડવાન્સ રજિસ્ટ્રેશન, વેક્સિનેશન સેન્ટર પર ઓન સાઈટ રજિસ્ટ્રેશન, અને Facilitated Cohort Registration. Facilitated Registration અંતર્ગત સરકાર આશાવર્કર્સ, પંચાયત સભ્યો અને મહિલા સ્વયં સહાયતા સમૂહો પર નિર્ભર રહેશે, જે ઓથોરિટીઝને બીજા તબક્કાના વેક્સિનેશન માટે લાયક સભ્યોની માહિતી પૂરી પાડશે.
6 રાજ્યોમાં નવા કેસની સંખ્યા વધી
શનિવારે કેન્દ્ર સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું છે કે, 6 રાજ્યો- મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થયો છે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8,333 નવા કેસ નોંધાયા છે. ત્યારપછી કેરળમાં 3,671 અને પંજાબમાં 611 નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કુલ 16,488 નવા કેસમાંથી 85.75 ટકા કેસ 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી છે.
જોકે આ દરમિયાન 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં 24 કલાક દરમિયાન કોઈ પણ કોરોનાના કારણે મોત થયા નથી. આ રાજ્ય ગુજરાત, ઓરિસ્સા, ચંદીગઢ, ઝારખંડ, હિમાચ પ્રદેશ, પોંડિચેરી, મણિપુર, મિઝોરમ, લક્ષદ્વીપ, લદ્દાખ, સિક્કિમ, દમણ અને દીવ અને દાદરા-નગર હવેલી, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, ત્રિપપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.
વધતા કેસ વિશે આજે કેબિનેટ સચિવની બેઠક કરાઈ
નોંધનીય છે કે, આજે કેબિનેટ સચિવે તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા કેસ વિશે એક બેઠક કરી હતી. આ દરમિયાન કોરોના સંક્રમણની સ્પીડને ઓછઠી કરવા અને તેનો ઝડપથી ઉકેલ લાવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
1 કરોડ લોકોને મળી ચૂકી છે વેક્સિન
નોંધનીય છે કે, કોરોનાથી બચવા માટે અત્યાર સુધી 1 કરોડ 42 લાખ 42 હજાર 547 લોકોને વેક્સિન લગાવવામાં આવી છે અને તેમાંથી 66,68,975 હેલ્થકેર વર્કર્સ અને 51,19,695 ફ્રન્ટલાઈન વર્કર્સ પણ સામેલ છે.
ગુજરાતમાં પણ 1 માર્ચથી રસી અપાશે
ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 250 રૂ.ની કિંમતે વેક્સિનનો એક ડોઝ અપાશે. આ ભાવમાં વહીવટી ચાર્જના રૂપમાં રૂ.100 વસૂલાશે, રસીની કિંમત રૂ.150 નક્કી કરાઈ છે.
શું તમારા માટે વેક્સિન લગાડવી જરૂરી છે?
ના, સરકારે વારંવાર કહ્યું છે કે વેક્સિન લગાવડાવી તમારી મરજી પર છે, પરંતુ નિષ્ણાત કહી રહ્યા છે કે જો તમે પ્રાયોરિટી ગ્રુપમાં છો તો તમારે વેક્સિન લગાવડાવી જોઈએ, જેના બે કારણો છે-
- તમને કોરોનાવાયરસથી સંક્રમિત થવાનું જોખમ અન્ય લોકોની તુલનામાં વધુ છે. આ જ કારણે તમને પ્રાયોરિટી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. જો તમે વેક્સિન લગાવડાવશો તો તમને કોરોના વિરુદ્ધ સુરક્ષા જ નહીં, પણ તમે તેને અન્ય લોકો સુધી જવાથી પણ અટકાવી શકશો.
- તમારા કારણે તમારી અંગત વ્યક્તિઓને કોરોનાવાયરસનું ઈન્ફેક્શન થઈ શકે છે. એવામાં જો તમે સુરક્ષિત રહો છો તો તમે નિશ્વિત રીતે તમારી અંગત વ્યક્તિઓને પણ સુરક્ષિત રાખી શકશો. જો તમારા અંગત લોકોમાં કોઈ હાઈ-રિસ્ક કેટેગરીમાં આવે છે તો તમારા માટે પણ વેક્સિન લગાવડાવી જરૂરી થઈ જાય છે.