ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, શું લાગશે આંશિક લોકડાઉન ?
કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં વધારો જે અત્યાર સુધી મહારાષ્ટ્ર (Maharashtra) અને પંજાબ સુધી સિમિત હતો તે હવે અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત (Gujarat) , કર્ણાટક, અને હરિયાણામાં દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ રાજ્યોની સરકારો પણ અલર્ટ મોડ પર છે. નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 18599 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 97 લોકોના મૃત્યુ થયા છે.
કેન્દ્ર સરકાર સતત દૈનિક કોરોનાના નવા કેસ મામલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ પર નજર રાખી રહી છે. આ સાથે જ કેન્દ્રએ મહારાષ્ટ્ર અને પંજાબમાં ઉચ્ચ સ્તરીય ટીમોની નિયુક્તિ કરી છે. જ્યાં રોજેરોજ નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,599 નવા કેસ જોવા મળ્યા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,12,29,398 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,08,82,798 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે 1,88,747 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.
ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન
કોરોનાના વધતા જોખમના કારણે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં 11 માર્ચથી 4 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ દરમિયાન સવારે 6 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી જીવન સામાન્ય રહેશે. પરંતુ 9 વાગ્યા બાદ નાઈટ કરફ્યૂ લાગશે. જે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સાથે જ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. જો કે આ દરમિયાન ચિકિત્સા સેવાઓ, ઔદ્યોગિક ક્ષેત્રો અને મીડિયાને છૂટ અપાઈ છે. જ્યારે લગ્ન, ધાર્મિક સમારોહ, ખેલ, અને રાજનીતિક કાર્યક્રમો પર રોક રહેશે.
મધ્ય પ્રદેશમાં કોરોના વકર્યો
મધ્ય પ્રદેશમાં રવિવારે કોરોનાના 429 નવા કેસ સામે આવ્યા આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 2,64,643 પર પહોંચી ગઈ. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3871 પર પહોંચ્યો છે.
કર્ણાટકમાં વધી રહ્યો છે કોરોના
કર્ણાટકમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 622 કેસ આવ્યા. કુલ કેસ વધીને 9.55 લાખ પર પહોંચી ગયા. જ્યારે આ બીમારીથી 3 લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંક વધીને 12362 પર પહોંચી ગયો.
દિલ્હીમાં કોરોનાના નવા 286 કેસ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 286 કેસ સામે આવ્યા. જ્યારે 2 લોકોના મોત થયા. દિલ્હીમાં સંક્રમણનો દર 0.31 ટકા છે. આ અગાઉ શનિવારે સંક્રમણના 321 કેસ સામે આવ્યા હતા.
કેરળમાં 2100 કેસ
છેલ્લા 24 કલાકમાં કેરળમાં નવા 2100 કોરોના કેસ નોંધાયા. જ્યારે 13 લોકોના મોત થયા છે. આ સાથે કેરળમાં કુલ કેસની સંખ્યા 1077327 થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4300 થયો છે.
ગુજરાતમાં ફરી વધવા લાગ્યા કેસ
રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 575 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 459 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,73,386 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,65,831 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,415 પર પહોંચ્યો છે.
તામિલનાડુમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ વધ્યા
તામિલનાડુમાં કોરોનાના કેસ સતત ત્રીજા દિવસે વધ્યા. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના નવા 567 કેસ જોવા મળ્યા. આ સાથે કુલ કેસની સંખ્યા 855121 થઈ ગઈ. રાજ્યમાં હાલ 3997 એક્ટિવ કેસ છે. જ્યારે 12518 લોકોના અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગયા છે.