ધો.12 સા.પ્ર.ની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત લંબાવાઇ
ગાંધીનગર :
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત વધુ એક વખત લંબાવવામાં આવી છે. 12 માર્ચના બદલે હવે વિદ્યાર્થીઓ 22 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી લેઈટ ફી પણ લેવામાં આવશે નહીં. ઉપરાંત 22 માર્ચ સુધી સ્કૂલો આવેદનપત્રોમાં સુધારો પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રિન્સીપાલ એપ્રુવલ બાકી હોય તો તે કાર્યવાહી પણ 22 માર્ચ સુધી કરી શકાશે તેમ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી ભરવાની અંતિમ તારીખ 12 માર્ચ હતી. જોકે, ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ હજુ ભરાયા ન હોવાથી બોર્ડ દ્વારા મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 22 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. બોર્ડ દ્વારા હાલમાં જે મુદ્દતમાં વધારો કરાયો છે તેના માટે અલગથી કોઈ લેઈટ ફી લેવામાં આવશે નહીં. આમ, 22 માર્ચ સુધી વિદ્યાર્થીઓના ફોર્મ રેગ્યુલર ફી સાથે જ ભરી શકાશે તેવી વ્યવસ્થા કરાઈ છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 માર્ચના રોજ રાતના 12 વાગ્યા સુધીની રહેશે. 22 માર્ચ સુધી સામાન્ય પ્રવાહના કોઈપણ વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારો કરી શકાશે. જે માટે અલગથી કોઈ ફી આપવાની રહેશે નહીં. વિદ્યાર્થીનું પ્રિન્સીપાલ એપ્રુવલ બાકી હોય તો તે પણ 22 માર્ચ સુધીમાં કરી શકાશે. જો કોઈ શાળાએ ફાઈનલ એપ્રુવલ કરી દીધું હોય અને આવેદનપત્રો ભરવાના કે સુધારા કરવાના બાકી હોય તો ફાઈનલ એપ્રુવલનું ટીકમાર્ક કાઢીને સબમીટ કરવાથી આવેદનપત્ર ભરી શકાશે અને સુધારો કરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મે માસમાં યોજનારી ધોરણ-10 અને 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવા માટે રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરાઈ છે. બોર્ડની પરીક્ષા વખતે મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ અને રમઝાન ઈદનો તહેવાર આવતો હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અસર થશે તેમ જણાવી રમઝાન ઈદ બાદ બોર્ડની પરીક્ષા લેવામાં આવે તે માટે રજૂઆત કરાઈ છે.
બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ 10 મેથી 25 મે દરમિયાન લેવામાં આવનાર છે. આ માટે બોર્ડ દ્વારા સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે. જોકે, બોર્ડની પરીક્ષા વખતે મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ આવતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે તેમ છે. રમઝાન માસ ચાંદ પ્રમાણે 14 અથવા 15 એપ્રિલથી શરૂ થાય છે. જ્યારે મેની 14 તારીખ આસપાસ રમઝાન ઈદનો તહેવાર આવે છે. હવે જ્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન જ રમઝાન માસ અને રમઝાન ઈદનો તહેવાર આવતો હોવાથી મુસ્લિમ વિદ્યાર્થીઓ શાંત ચિત્તે પરીક્ષાની તૈયારી કરી શકશે નહીં અને તેની અસર તેમના પરિણામ પર પડશે. આ મુદ્દે ગુજરાત સ્ટેટ યુથ કોંગ્રેસના સેક્રેટરી સુભાન સૈયદે રાજ્યપાલને પત્ર લખી બોર્ડની પરીક્ષા રમઝાન ઈદ પછી ગોઠવવામાં આવે તે માટે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. આ નિર્ણય લેવાય તો રાજ્યના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓ શાંત ચિત્તે બોર્ડની પરીક્ષા આપી શકશે અને સારો દેખાવ કરી શકશે તેમ પણ રજૂઆતમાં જણાવાયું છે.