નડિયાદ શહેરના સરદાર ભવન પાસે આજે મુખ્યમંત્રી દ્વારા દાંડીયાત્રાનું સ્વાગત કરાશે
નડિયાદ :
ખેડા જિલ્લામાં દાંડીકૂચના ૯૦મા વર્ષની અને આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી પૂરબહારમાં ચાલી રહી છે. ૧૨મી માર્ચે અમદાવાદથી નીકળેલી દાંડીકૂચની સ્મૃતિયાત્રા આજે વાજતેગાજતે ખેડા જિલ્લામાં પ્રવેશી હતી. આજે ૧૫મી માર્ચે દાંડીયાત્રાના ચોથા દિવસે મુખ્યમંત્રી નડિયાદના સરદાર ભવન પાસે દાંડીયાત્રિકોનું સ્વાગત કરશે અને તેમની સાથે પદયાત્રામાં સંતરામ મંદિર સુધી જોડાશે.
ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રાનું આજે ૧૪મી માર્ચે ભેરાઈ, ગોવિંદપુરા અને માતર ખાતે વ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પુષ્પવર્ષા અને કળશથી દાંડીયાત્રિકોને વધાવી લીધા હતા. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં સાથે ચાલ્યા હતા. કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં ચાલી રહેલી આ યાત્રામાં બીજા પણ અનેક મંત્રીઓ જોડાયા છે. આજે ૧૫મીએ દાંડીની સ્મૃતિયાત્રા સાક્ષર નગરી નડિયાદ આવી પહોંચશે. અહીં દાંડીયાત્રિકોનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી આવવાના છે. નડિયાદ સરદાર ભવન, ગાંધીજીની પ્રતિમા પાસે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વાગતવિધિ કરીને પદયાત્રામાં જોડાશે અને સરદાર ભવનથી સંતરામ મંદિર સુધી સાથે ચાલશે. તેમની સાથે સ્થાનિકો આગેવાનો, નેતાઓ અને અધિકારીઓ પણ જોડાશે. ૧૬મી માર્ચે સવારે ૮.૦૦ વાગ્યે દાંડીયાત્રિકો નડિયાદથી નીકળી ઉતરસંડા જવા પ્રયાણ કરશે.