ગાંધીનગર જિલ્લાના 4500 પ્રાથમિક શિક્ષકો ફેબુ્રઆરી માસના પગારથી વંચિત
ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો પગાર કરવા માટે સરકારની ગ્રાન્ટ આવી ગઇ હોવા છતાં જિલ્લાકક્ષાની ભુલના કારણે હજુ સુધી ૪૫૦૦ જેટલાં શિક્ષકોનો પગાર થઇ શક્યો નથી. માર્ચ માસ અડધો થઇ ગયો હોવા છતાં શિક્ષકોને હજુ સુધી ફેબુ્રઆરી મહિનાનો પગાર મળ્યો નથી જેના કારણે ઘણા શિક્ષકોની હાલત કફોડી બની છે.
કર્મચારીઓનો પગાર સમયસર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પગારની ગ્રાન્ટ અગાઉ ફાળવી દેવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રને પણ સરકારે શિક્ષકોના પગાર માટે અગાઉ ગ્રાન્ટ ફાળવી દીધી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના કુલ ૪૫૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોને કુલ ૨૦.૪૫ કરોડ રૃપિયાનો પગાર દર મહિને ચુકવવામાં આવે છે. આ પગારની ગ્રાન્ટ ગત તા.૧૦મીએ જિલ્લાકક્ષાએ આપી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ શિવરાત્રીની રજા હતી. જો કે, શુક્રવારે આ ગ્રાન્ટની ફાળવણી પગાર સ્વરૃપે થઇ શકેત પરંતુ તે નહીં કરવાના કારણે હજુ સુધી જિલ્લાના ૪૫૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોને ફેબુ્રઆરી માસનો પગાર મળ્યો નથી. આગામી બે દિવસ પણ બેન્કોમાં હડતાલ હોવાના કારણે આ શિક્ષકોનો પગાર આ બેન્ક કર્મીઓની હડતાલ પુર્ણ થયાં બાદ એટલે કે મંગળવાર પછી જ મળશે તે વાત નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે, સમયસર પગાર નહીં થવાના કારણે ઘણા શિક્ષકોની હાલત કફોડી બની છે.