ગાંધીનગર

ગાંધીનગરમાં સરકારી બેંકના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં સૂત્રોચ્ચારો કર્યા

સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓના યુનિયનની સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 15 અને 16 માર્ચના રોજ દેશ વ્યાપી હડતાલનું આહવાન કરવામાં આવ્યું હતું. જેના પગલે આજે ગાંધીનગરમાં પણ સરકારી બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાઇને સરકારની ખાનગીકરણની નીતિ ના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. નોંધનીય છે કે ગાંધીનગર જિલ્લામાં સરકારી બેંકોના કર્મચારીઓ દ્વારા બે દિવસીય હડતાલ પાડવામાં આવતા કરોડો રૂપિયાના વ્યવહારો ખોરવાઈ જશે.

છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે 14 બેંકોનું વિલિનીકરણ કરી દિધુ

વર્ષ 2019 માં IDBI બેંકનો પોતાનો હિસ્સો સરકારે એલ.આઇ.સીને વેચીને ખાનગીકરણ કરી દીધું છે. છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે 14 બેંકોનું વિલિનીકરણ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે બેંકોના ખાનગીકરણથી મોટી સંખ્યામાં કર્મચારીઓની નોકરીઓ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ મામલે સરકાર અને બેંક કર્મચારી યુનિયનો વચ્ચે યોજાયેલી મંત્રણા નિષ્ફળ નીવડી હતી. ત્યારે બેંક કર્મચારીઓના નવ યુનિયનોએ બે દિવસ માટે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવાનું નક્કી કર્યું હતુ. જેની અસર ગાંધીનગર જિલ્લાની 250 જેટલી બેંકની શાખા પર પણ પડી છે. અંદાજે જિલ્લાના 1500 જેટલાં બેંક કર્મચારીઓ આજે બેંક કામગીરીથી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ખાનગીકરણનો નિર્ણય મુલતવી રાખવામાં ન આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવશે

આ અંગે ગાંધીનગર ઝોન બેંક કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી ભાનુપ્રસાદ સક્સેનાએ જણાવ્યું હતું કે ખાનગીકરણ કરવાથી બેંકો ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે. મોટાભાગે ઉદ્યોગપતિઓ જ સરકારી બેન્કોના ડિફોલ્ટરો છે. ત્યારે ઉદ્યોગપતિઓ પાસેથી રિકવરી કરવાની જગ્યાએ સરકાર તેમના હાથમાં સરકારી બેંકો સોંપી દેવાનું નક્કી કરી ચૂકી છે. બીજી તરફ સરકારી બેંકોમાં ખાતાધારકોને પડી રહેલી કરોડોની થાપણો જોખમમાં મૂકાઈ જશે. હાલમાં સરકારને બે દિવસ હડતાલ પાડીને રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં આગામી દિવસોમાં સરકારી બેન્કોના ખાનગીકરણનો નિર્ણય મુલતવી રાખવામાં ના આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x