ધો-8 ના વિદ્યાર્થીઓએ સૂર્યના પાર્ટીકલ્સથી પૃથ્વીને થતા નુકશાનને અટકાવવા રીસર્ચ કર્યુ
શહેરના બે વિદ્યાર્થી ધ્વનિત દેસાઈ અને તનય મન્દનાએ કોરોનલ માસ ઈજેકશન રિસર્ચ કર્યુ. એટલે કે સૂર્યના ક્ષેત્રમાંથી આવતા પાર્ટીકલ જે પૃથ્વીને નુકશાન કરી શકે છે. તેને અટકાવવા માટે રીસર્ચના પરિણામ રૂપે એક સોફ્ટવેર તૈયાર કર્યું. બંને બાળકો હાલમાં ધો-8 માં અભ્યાસ કરે છે. રિસર્ચ પછી ન્યૂયોર્ક, કેનેડા અને સિંગાપોરના વૈજ્ઞાનિક સંગઠનો દ્વારા તેમને બોલાવવામાં આવ્યા છે. બંને વિદ્યાર્થીઓ ત્રણેય દેશમાં જઈ પોતાનું રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરશે.
શા માટે રિસર્ચ કર્યુ?
સૂર્યના ક્ષેત્રમાંથી અમુક પાર્ટીકલ બહાર આવે છે જે 3000 હજાર કિમી પ્રતિ સેકન્ડની સ્પીડ પર આવી પૃથ્વી સાથે અથડાય છે. જેના કારણે પૃથ્વીના લેયરને નુકસાન પહોંચી શકે છે. જયારે કોરોનલ માસ ઈજેકશન થાય ત્યારે મિલિયન્સ કિલોગ્રામ પાર્ટીકલ્સ નીકળે છે. તેનાથીે આપણી સેટેલાઈટને નુકશાન કરીને તેને સમાપ્ત કરી શકે છે. નાસાની સેટેલાઈટ હંમેશા સૂર્યનું નિરિક્ષણ કરે છે. તેથી આ નુકશાનને રોકવા માટે બંને વિદ્યાર્થીઓએ નાસાની રજીસ્ટ્રીમાંથી ડેટા લઈ 10 વર્ષનો ડેટા એનાલિસીસ કર્યો.
સેટેલાઈટને બચાવી શકાશે
આ રીસર્ચના પરિણામરૂપે આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર તૈયાર કર્યું. જેમાં ડેટા નાંખીને અનુમાન લગાવી શકાશે સૂર્ય માંથી નીકળતા પાર્ટીકલ્સ કયારે નીકળી શકે છે અને પૃથ્વી સાથે કયારે ટકરાઈ શકે છે. તેમજ આ ડેટા સૂર્યના વાતાવરણને સમજવામાં આપણી ક્ષમતા વધારે છે. જે આપણા સેટેલાઈટને બચાવવામાં મદદ કરી શકે છે. આ રિસર્ચ માટે આંતરાષ્ટ્રીય સ્તરે એપ્લાય કરવામાં આવ્યું હતું. એ જોઈને ત્રણેય દેશોના વૈજ્ઞાનિકોએ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં બોલાવી વિદ્યાર્થીઓને પોતાનું રિસર્ચ પ્રેઝન્ટ કરવા માટેનું આમંત્રણ આપ્યું છે. તેઓ તા.30 માર્ચના રોજ આઈસીએએસએસ કેનેડા, તા. 25 માર્ચના રોજ એનયુએસએસ સિંગાપોર અને તા. 22 એપ્રિલના રોજ આઈસીઈએસએસઈ ન્યૂયોર્કની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં જઈ ભારતને રિપ્રેઝન્ટ કરશે. આ રિસર્ચ તેમણે લવ કારિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે.