ગાંધીનગર

શાળા અને કોલેજો 10 એપ્રિલ સુધી બંધ, ગુડાનાં 7 ગાર્ડનમાં 15 દિવસ માટે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

જિલ્લામાં ગુરુવારે કોરોનાના વધુ 24 કેસ નોંધાતાં કુલ કેસનો આંકડો 8446એ પહોંચ્યો છે. વધતા જતા કેસને પગલે માત્ર 20 દિવસમાં જ એક્ટિવ કેસનો આંકડો 271એ પહોંચ્યો છે. જોકે 20 દિવસ અગાઉ એક્ટિવ કેસનો આંકડો 200 થઈ ગયો હતો પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં વિજય સરઘસોમાં રાજકીય પક્ષોએ સામાજિક અંતર અને માસ્ક પહેરવા સહિતના કોવિડના એક પણ નિયમનું પાલન ન કરતાં પરિસ્થિતિ વણસી ગઈ છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાતા 10 કેસમાં 2 ગામ જ જિલ્લા પંચાયતની હદના છે જ્યારે 8 કેસ મનપા વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાંથી નોંધાઈ રહ્યા છે. ઉપરાંત મનપાના શહેરી વિસ્તારમાંથી 14 કેસ નોંધાઈ રહ્યા છે. આથી મનપા વિસ્તારમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે.

આ સ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજવામાં આવે તો ફરી કોરોનાના કેસોનો વિસ્ફોટ થવાની ભીતિ રહેલી છે. સંક્રમિતોમાં બાળક, વિદ્યાર્થી, ક્લાર્ક, એન્જિનિયર, સેક્શન ઑફિસર, વેપારી, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે. તમામ દર્દીના સંપર્કમાં આવેલા ઉપરાંત તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નોંધનીય વાત એ છે કે, ગુરૂવારે નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 14 કેસ મનપા વિસ્તારમાં નોંધાયેલા છે, જ્યારે માણસા તાલુકામાં અને દહેગામ તાલુકામાં કોરોનાનો એકેય કેસ નોંધવા પામ્યો નથી, જે રાહત બાબત છે.

મનપા વિસ્તારના 9 સેક્ટરની 14 વ્યક્તિને કોરોના
મનપા વિસ્તારમાં વધુ 14 કેસમાં સેક્ટર-14માંથી 53 વર્ષીય સેક્શન ઑફિસર, 37 વર્ષીય મહિલા ક્લાર્ક, સેક્ટર-4માંથી 23 વર્ષીય વિદ્યાર્થી, 33 વર્ષીય ક્લાર્ક, 66 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-6ની 43 વર્ષીય ગૃહિણી, સેક્ટર-27ની 70 વર્ષીય ગૃહિણી, સેક્ટર-5માંથી 83 વર્ષીય વૃદ્ધ, 77 વર્ષીય ગૃહિણી, સેક્ટર-23ની 79 વર્ષીય ગૃહિણી, સેક્ટર-3ના 56 વર્ષીય ક્લાર્ક, સેક્ટર-8માંથી 57 વર્ષીય મહિલા ડેપ્યુટી એન્જિનિયર, 54 વર્ષીય આધેડ, સેક્ટર-22ના 71 વર્ષીય વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયા છે. સંક્રમિતોના સંપર્કવાળા 43 વ્યક્તિઓને ક્વૉરન્ટાઇન કર્યા છે.

તાલુકામાંથી 9 અને કલોલમાંથી 1 કેસ
ગાંધીનગર તાલુકામાંથી નવા 9 કેસમાં કુડાસણમાંથી 39 વર્ષીય યુવાન, 45 વર્ષીય યુવાન, 40 વર્ષીય યુવાન, પેથાપુરમાંથી 54 વર્ષીય વેપારી, 50 વર્ષીય ગૃહિણી, રાયસણનો 44 વર્ષીય યુવાન, રાંદેસણી 12 વર્ષીય વિદ્યાર્થીની, અડાલજની 59 વર્ષીય ગૃહિણી, મોટાચિલોડાનો 1 વર્ષીય બાળક કોરોનામાં સપડાયો છે. જ્યારે કલોલ તાલુકાના પાનસરની 39 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. આ સાથે ગાંધીનગર તાલુકામાં કુલ કેસનો આંકડો 2603 થયો છે.

સ્થાનિકોની માગણી પગલે ગુડાએ બગીચા બંધ કર્યાં : કેસ વધશે તો પ્રતિબંધ લંબાશે​​​​​​​​​​​​​​
ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને પગલે ગુડા વિસ્તારના બગીચામાં નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. આ અંગે ગુડાના એક્સિએન સંજય પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સ્થાનિક લોકોએ બગીચા બંધ કરવાની માગણી કરી હતી. કેમ કે સવારે અને સાંજે ગાર્ડનમાં લોકોની અવરજવર વધારે રહેતી હતી. આથી લોકોની માગણીને ધ્યાનમાં રાખીને 15 દિવસ સુધી ગુડાનાં કુલ 7 ગાર્ડન જાહેર જનતા માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આગામી સમયમાં કોરોનાના કેસ વધતા હશે તો ફરી બંધ રાખવાનો નિર્ણય લેવાશે.

કોરોનાના કેસ વધતાં સિવિલના તબીબોનું સમર વેકેશન રદ
ગાંધીનગરમાં કોરોનાના વધતા જતા કેસને પગલે સિવિલ હૉસ્પિટલમાં હાલમાં રોજ 30 જેટલા દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. એકાદ મહિના અગાઉ હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં આવી ગઈ હતી પરંતુ વધતા કેસને પગલે કોવિડ વોર્ડ આગામી સમયમાં ફૂલ થઈ જાય તેવી શક્યતા છે. આથી તબીબોની જરૂર ઊભી થાય તેવી સ્થિતિ બની શકે છે. જેને પરિણામે ગાંધીનગર મેડિકલ કૉલેજના તમામ તબીબોનું સમર વૅકેશન હાલ પૂરતું સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. આથી ગત વર્ષની જેમ ચાલુ વર્ષે તબીબોને સમર વૅકેશનનો લાભ મળશે નહી.

મનપા વિસ્તારની 100 શાળાઓ 23 દિવસ બંધ
ગાંધીનગર | કોરોનાના વધતા જતા સંક્રમણને નિયંત્રિત કરવા માટે ગાંધીનગર મનપા વિસ્તારની 100 શાળાને 23 દિવસ સુધી એટલે 10 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ ચાલુ રહેશે.

ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે, ઓફલાઇન પરીક્ષા 10મી એપ્રિલ પછી જ લેવાશે
જોકે ધોરણ 9થી 12ની શાળાઓમાં 19મીથી ઓફલાઇન પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થશે. શાળાઓ બંધ રખાતાં મનપા વિસ્તારની શાળાઓમાં 10 એપ્રિલ બાદ નવા સમયપત્રક સાથે પરીક્ષા લેવાશે. ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ઓફલાઇન અને ઓનલાઇન બન્ને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત પ્રથમ સત્રાંત પરીક્ષા તેના નિયત સમય પત્રક મુજબ લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારની શૈક્ષણિક ધામમાં શિક્ષણ ચાલુ રહેશે. જો કે, 23 દિવસ સુધી શાળા બંધ રખાશે.

ગ્રામ્યમાં ઓફલાઇન શિક્ષણ જરૂરી
ઇન્ફોસિટી જુનિયર સાયન્સ કોલેજ, સરગાસણના મેનેજીંગ ટ્રસ્ટી વી. વી. વૈષ્ણવે જણાવ્યું છે કે શાળાઓ બંધ કરી સારી બાબત છે. ગ્રામ્ય વિસ્તારમાં નેટ અને મોબાઇલ સહિતના અભાવે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ પૂરે પુરૂ લઇ શક્યા નથી. આથી ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ ચાલુ રાખી તે સારી બાબત છે.

શાળાઓ બંધએ છાત્રોના આરોગ્ય માટે સારો નિર્ણય
શ્રી સ્વામિનારાયણ ધામના પ્રિન્સિપાલ નિર્મલ પટેલે જણાવ્યું છે કે સરકારનો નિર્ણય સરાહનીય છે. કોરોનાની ગત વર્ષ જેવી સ્થિત બનતી અટકી જશે. ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઇન શિક્ષણ લેવામાં વિદ્યાર્થીઓને અનેક અડચણો આવતી હતી. આથી ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ ચાલુ રાખીને વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત વિચાર્યું છે.

ગ્રામ્યમાં શાળાઓ બંધ રાખવી જરૂરી છે
આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધવાની શક્યતા રહેલી છે. કેમ કે ખેડુતો, વેપારીઓ, નોકરીયાત વગેરે અપડાઉન કરવાથી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના બેકાબુ બનશે. આથી શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ બંધ રાખવી વિદ્યાર્થીઓનું આરોગ્ય જળવાઇ રહેશે તેમ ધો-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી પંકજભાઇ પટેલે જણાવ્યું છે.

જિલ્લાની હૉસ્પિટલોમાં ગુરુવાર સુધીમાં દાખલ દર્દીઓની સ્થિતિ

હોસ્પિટલ કુલ બેડ ભરાયેલા ખાલી
સિવિલ 400 31 369
SMVS 55 20 35
એપોલો 100 0 100
આશ્કા 100 25 75
આદર્શ 100 0 100
પીએસએમ 80 2 78
રુચિ 30 0 30
ગોએન્કા 50 0 50
સરમાઉન્ટ 18 3 15
આઇકોન 11 0 11
આશીર્વાદ 18 1 17
રાધે 38 10 28
શ્રદ્ધા 18 0 18
વાછાની 41 7 34
કનોરીયા 40 5 35
કોલવડા 150 0 150
ડીસીએચસી 50 0 50
CCCસે-17 50 0 50

​​​​​​​

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x