કોરોનાની કહેર વચ્ચે આ રાજ્યના ત્રણ શહેરમાં 21 માર્ચે અપાયું લોકડાઉન
ભોપાલ :
મધ્યપ્રદેશમાં વકરી રહેલા કોરોનાને નાથવા રાજ્ય સરકારે 21 માર્ચ એટલે કે રવિવારે રાજધાની ભોપાલ સહિત ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉન લાગુ પાડવાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા આદેશ અનુસાર, ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા માટે ભોપાલમાં સીએમ શિવરાજસિંહ ચોહાણે ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને તેમાં આ નિર્ણય લેવાયો હતો. શુક્રવારે પશ્ચિમ બંગાળથી પરત આવ્યાં બાદ મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
ત્રણ શહેરોમાં એક દિવસનું લોકડાઉન છતાં જીવન જરુરિયાતની સેવાઓ ચાલુ રાખવાનો પણ નિર્ણય કરાયો છે. સીએમ ચોહાણે કહ્યું કે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ફરી વાર પરિસ્થિતિ ગંભીર ન બને તે માટે લોકડાઉન જરુરી છે. લોકોને મારી અપીલ છે કે તેઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે. ખોટી ભીડ ન કરવામાં આવે અને કોરોનાને ફેલાતો રોકવામાં તેનું યોગદાન આપે. મુખ્યમંત્રીએ કહ્યું કે જે લોકો માસ્ક પહેરતા નથી તેઓ બીજા લોકોનું જીવન પણ ખતરામા મૂકે છે.
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર માર્ચમાં કોરોનાની બીજી લહેર આવી ચૂકી છે. આ લહેર ઘણી ખતરનાક છે. કોરોનાથી ચેપથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સીંગ જરુરી છે. પરંતુ હજુ પણ બજારોમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી. આનાથી ચેપનો ખતરો ઝડપથી ફેલાવાનો ડર રહે છે.