ગાંધીનગરગુજરાત

CM રૂપાણીનો વધુ મોટો નિર્ણય, 8 મનપામાં તાત્કાલિક અસરથી ટ્યૂશન ક્લાસ બંધ

ગાંધીનગર :

રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતીને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય ની જાણકારી આપતા જણાવ્યું છે કે રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસર થી બંધ કરવામાં આવશે. આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરો માં આ વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય વિજય રૂપાણીએ કર્યો છે એમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા પછી કોરોનાના કેસોમાં મોટો જંપ આવ્યો છે. પહેલાં જ્યાં 200 જેટલા કેસો સામે આવી રહ્યા હતા. ત્યારે હવે રોજના 1000થી વધુ કેસો સામે આવી રહ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1415 નવા કોરોના કેસો સામે આવ્યા છે. જ્યારે 4 કોરોના દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,83,864 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,437 પર પહોંચ્યો છે.

અમદાવાદ-સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસો અમદાવાદ, સુરતમાં નોંધાઇ રહ્યા છે. આજ રોજ સુરતમાં સૌથી વધુ 450 કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 1 કોરોના દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં 344 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 1 કોરોના દર્દીનું મોત થયું છે. વધી રહેલા કોરોનાના કેસોના જોતા તંત્ર અલર્ટ પર છે.

શનિ-રવિ મોલ, સિનેમા હોલ બંધ

અમદાવાદમાં કોરોના સંક્રમણ ફેલાતા AMC તંત્ર હરકતમાં છે. કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે શનિવાર અને રવિવારે મોલ અને સિનેમા હોલ આગામી આદેશ સુધી બંધ કરવાનો નિર્ણય AMCએ લીધો છે.

AMTS-BRTS બસ પર મુક્યો પ્રતિબંધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને AMTS-BRTS બસ પર અચાનક જ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિવાય અમદાવાદમાં પાર્ક, ગાર્ડન, જીમ, સ્પોર્ટ્સ ક્લબને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમદાવાદ, વડોદરા, સુરતમાં રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર

રાજ્યના મહાનગર અમદાવાદ, વડોદરા, સુરતને કોરોનાએ પોતાના ભરડામાં લીધું છે. જેથી અહીં રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર સાથે અન્ય પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x