તારક મહેતા સિરિયલના ‘સુંદર’ પછી હવે ‘ભીડે માસ્ટર’ પણ કોરોના પોઝિટિવ
સબ ટીવીની લોકપ્રિય ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હજુ થોડા દિવસ પહેલાં જ ‘સુંદરલાલ’ બનતા મયુર વાકાણીના કોરોના પોઝિટિવ થવાના સમાચાર આવ્યા હતા. હવે ન્યૂઝ આવ્યા છે કે સિરિયલમાં ‘ભીડે માસ્ટર’ બનતા એક્ટર મંદાર ચાંદવાડકરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પોતાની હેલ્થ વિશે વાત કરતાં મંદારે કહ્યું કે તેઓ એસિમ્પ્ટમેટિક છે અને આઇસોલેટ થઈને રિકવર થઈ રહ્યા છે.
‘મને હતું જ કે મને ચેપ લાગ્યો છે’
મીડિયા સાથેની વાતચીતમાં મંદારે કહ્યું કે, ‘મારા ટેસ્ટના રિપોર્ટ્સ આવ્યા તે પહેલાં જ મેં મારી જાતને આઇસોલેટ કરી દીધી હતી, કેમ કે મને લાગતું જ હતું કે મને ચેપ લાગ્યો છે. હવે મારા કોરોના ટેસ્ટના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે. અલબત્ત, હું એસિમ્પ્ટમેટિક છું અને ડૉક્ટર તથા મુંબઈ મહાનગરપાલિકાએ સૂચવેલાં તમામ પ્રિકોશન્સ લઈ રહ્યો છું. અત્યારે મારી હેલ્થ એકદમ ફિટ એન્ડ ફાઇન છે. મારો પરિવાર મારી પૂરી સંભાળ લઈ રહ્યો છે અને હું બહુ ઝડપથી શૂટિંગ પર પરત ફરીશ.’
મયુર વાકાણી પણ પોઝિટિવ
આઠેક દિવસ અગાઉ ન્યૂઝ આવ્યા હતા કે સિરિયલમાં સુંદરલાલનો રોલ ભજવતા ગુજરાતી અભિનેતા મયુર વાકાણી અમદાવાદમાં કોવિડ-19 પોઝિટિવ થયા છે. તેમને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તે વખતે મયુરે કહ્યું હતું, ‘છેલ્લા બે દિવસથી મને તાવ આવતો હતો. આવી પરિસ્થિતિમાં મેં તરત જ મારો કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો. હું કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતો નહોતો. આ પહેલાં મેં કામના સંદર્ભમાં ઘણીવાર રેપિડ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે આ વખતે મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે મારામાં કોરોનાના એકપણ લક્ષણ ના હોત તો હું હોમ ક્વૉરન્ટીન થઈ શકતો હતો, પરંતુ મારામાં કોરોનાનો લક્ષણો હતાં, આથી જ મેં હોસ્પિટલમાં એડમિટ થવાનો નિર્ણય લીધો હતો.’
વધુમાં મયૂરે કહ્યું હતું, ‘અમદાવાદમાં સૌથી સારી વાત એ છે કે અહીં ઠેર ઠેર કોવિડ સેન્ટર છે. હું SVP હોસ્પિટલમાં એડમિટ છું અને અહીં મારી સારવાર કરાવી રહ્યો છું. અહીં ઘણો જ સપોર્ટ મળ્યો છે. આશા છે કે ટૂંક સમયમાં મારો રિપોર્ટ નેગેટિવ આવશે અને હું ઘરે પરત ફરીશ.’
વાતચીતમાં મયૂરે કહ્યું હતું કે તેની આસપાસના કેટલાક લોકો એવું માની રહ્યું છે કે મુંબઈમાં શોના શૂટિંગ દરમિયાન તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે આ વાત સાચી નથી. મયૂરના મતે- ‘હું ગયા અઠવાડિયે મુંબઈ ગયો હતો અને શૂટિંગ કર્યું હતું. ત્યાંથી પરત આવ્યા બાદ હું એકદમ ઠીક હતો. અલબત્ત, હું અમદાવાદમાં પણ ઘણું જ ફર્યો છું. બની શકે આ દરમિયાન જ મને ચેપ લાગ્યો હોય. મને કોઈ જાતનો ડર લાગતો નથી. મને વિશ્વાસ છે કે હું જલદીથી ઠીક થઈ જઈશ. ‘
ઉલ્લેખનીય છે કે મયૂરના પિતા ભીમ વાકાણીએ કોવિડની વેક્સિન લઈ લીધી છે.