કોરોના મહામારી વચ્ચે 95 દેશોમાં લોકો અગાઉ કરતાં વધુ ખુશ
20 માર્ચના રોજ વર્લ્ડ હેપ્પિનેસ ડે તરીકે સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સીના રિસર્ચરોએ નોંધ્યું છે કે, મહામારીએ લોકોનો મૂડ કેવી રીતે બદલ્યો છે. સરવે એજન્સી ગેલપે અનેક દેશોમાં લોકો પાસેથી તેમના મનોભાવ સંબંધિત સવાલ પુછ્યા હતા. મહામારી દરમિયાન ભારત સહિત 95 દેશોમાં લોકો ગયા વર્ષની સરખામણીએ વધુ ખુશ રહ્યા છે. ભારતમાં 2017-19ની વચ્ચે ખુશીનો આંક 3.6 હતો, જે 2020માં વધીને 4થી થોડો વધુ થઈ ગયો છે.
સરવેના પરિણામ ચોંકાવનારા છે. લોકોએ કહ્યું, મહામારીથી પહેલા તેઓ જેટલા ખુશ હતી, એટલા જ ખુશ મહામારી દરમિયાન રહ્યા છે. 95 દેશોમાં 2017-19માં સરેરાશ સ્કોર 5.81 હતો અને 2020માં 5.85. જોકે, જીવનમાં સુખ અને સંતોષની પેટર્નમાં પરિવર્તન આવ્યું છે. કોવિડ-19 દરમિયાન વૃદ્ધો વધુ પ્રસન્ન રહ્યા છે. કોરોનાએ વૃદ્ધોની સરખામણીએ યુવાનોને વધુ ડરાવ્યા છે. દુનિયાભરમાં 2017-19 અને 2020 વચ્ચે 60 વર્ષથી વધુ વયના લોકોમાં પ્રસન્નતા 0.22 ટકા વધી ગઈ છે.
બ્રિટનમાં યુવાનો આધેડ વયના લોકોથી ઓછા સંતુષ્ટ, જ્યારે આધેડ વૃદ્ધોની સરખામણીએ ઓછા સંતુષ્ટ જોવા મળ્યા. રસીકરણ કાર્યક્રમને કારણે આવું હોઈ શકે છે. અહીં પહેલાં વૃદ્ધોને રસી લગાવાઈ છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ લખનારા બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી જોન હેલિવેલ લખે છે, વૃદ્ધોએ ખુદને તંદુરસ્ત અનુભવ્યા છે. દુનિયામાં 60 વર્ષથી વધુ વયના 36% પુરુષોએ જણાવ્યું કે, ગયા વર્ષે તેમને આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા રહી છે. જે ત્રણ વર્ષ પહેલાના 46%થી ઓછું છે. મહિલાઓમાં આરોગ્ય સમસ્યાઓ 51%થી ઘટીને 42% રહી ગઈ છે.
બીજી તરફ યુવાનો માટે આ વર્ષ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું. અસંખ્ય લોકોની નોકરી જતી રહી. બેરોજગારીએ પણ યુવાનોમાં ગ્લાની ભાવ વધાર્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, જે લોકોનાં વધુ મિત્રો હતા, તેમણે પણ લોકડાઉન દરમિયાન મુલાકાતો ઘટવાથી સારું લાગ્યું ન હતું. 2020માં બ્રિટનમાં પ્રસન્નતાનો ગ્રાફ નીચે આવ્યો છે. દુનિયામાં સૌથી સુખી દેશોની યાદીમાં જર્મની 15માથી 7મા સ્થાને પહોંચ્યું છે. ગયા વર્ષે યુરોપમાં જર્મનીએ સૌથી સારી રીતે કોવિડ-19નો સામનો કર્યો હતો.
લેટિન અમેરિકનોમાં ઘટાડો, એશિયા શ્રેષ્ઠ
મહlત્વની હકીકત એ છે કે, મહામારીથી પહેલા પસન્નતાની દોડમાં સર્વોચ્ચ રહેલા દેશ પોતાનાં સ્થાને જ છે. 2020માં ત્રણ સૌથી ઊંચું રેન્કિંગ ધરાવતા ફિનલેન્ડ, આઈસલેન્ડ અને ડેનમાર્ક 2017-19ના પ્રથમ ચાર દેશમાં સામેલ હતા. લેટિન અમેરિકન દેશોમાં ખુશીના સ્તરમાં ઘટાડો આવ્યો છે અને પૂર્વ એશિયામાં પ્રસન્નતા વધી છે. જેનો સંબંધ કોવિડ-19નું સારું નિયંત્રણ હોઈ શકે છે. આર્જેન્ટીના, બ્રાઝિલ, કોલંબિયા અને મેક્સિકો 2020માં ઓછા પ્રસન્ન રહ્યા. બીજી તરફ ચીન, જાપાન, તાઈવાન વધુ ખુશ રહ્યા.
પાંચ લાખ મોત બાદ પણ ખુશ છે અમેરિકન
અમેરિકા અંગેના સરવેનાં પરિણામ ચોંકાવનારા છે. ત્યાં કોવિડ-19થી પાંચ લાખ મોત થયા છે. ગેલપના સરવે અનુસાર 2020માં અમેરિકનોના ખુશીના સ્તરમાં સામાન્ય વધારો નોંધાયો છે. સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક સરવેમાં કહેવાયું છે કે, ગયા વર્ષે માર્ચ, એપ્રિલમાં અમેરિકનોમાં માનસિક તણાવ અને ચિંતા વધી હતી. જોકે ત્યાર બાદ ઘટી ગઈ હતી.