કોરોના ગ્રહણ : હોળી પ્રગટાવવાની મંજૂરી પણ ઘૂળેટી રમવાની મંજૂરી નહીં :નિતીન પટેલ
ગાંધીનગર :
રાજ્યમાં ગઈકાલે 1565 કોરોના કેસ નોંધાયા હતા. જે નવા વર્ષમાં સૌથી વધુ છે. ત્યારે કોરોના સંક્રમણ વધુ વકરી રહ્યું છે, જેની હોળી-ધૂળેટીના તહેવારો પર સીધી અસર થઈ છે. રાજ્ય સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર ઉજવણી પર શરતી મંજૂરી આપી છે. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.
રાજ્યમાં ગઈકાલે 1,565 કેસ નોંધાયા છે. અગાઉ 29 નવેમ્બરે 1,564 કેસ નોઁધાયા હતા. જ્યારે 969 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 2-2 તથા વડોદરા અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 1-1 મળી કુલ 6 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,443 થયો છે. 28 ડિસેમ્બર બાદ પહેલીવાર રાજ્યમાં 6 દર્દીના મોત થયા છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 96.08 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 28 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 6 હજારને પાર કરી ગયો છે અને હાલ 6737 એક્ટિવ કેસ છે.