લોકસભાના સ્પીકર ઓમ બિરલા કોરોના પોઝિટિવ; દેશમાં 24 કલાકમાં 44000 કેસ નોંધાયા
નવી દિલ્હી :
લોકસભાના સ્પિકર ઓમ બિરલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ઓબ્ઝર્વેશન માટે શનિવારે AIIMS કોવિડ સેન્ટરમાં એડમિટ કરાયા છે. દેશમાં કોરોનાની ગતિ ફરી એકવાર ઝડપી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં 43,815 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ આંકડો પાછલા 105 દિવસોમાં સૌથી વધુ છે. ગયા વર્ષે 25 નવેમ્બરના રોજ 44,699 કેસ સામે આવ્યા હતા. ગત દિવસે, 22,970 લોકો કોરોનાથી સાજા થયા હતા અને 196 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે મધ્યપ્રદેશમાં કોરોનાના વધતાં કેસને લઈને રવિવારે ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉન લાગવાયું છે.
જ્યારે, દેશમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓનો આંકડો (એક્ટિવ કેસ) પણ ઝડપથી વધી રહ્યા છે. ગત દિવસે એક્ટિવ કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. આ રીતે કોરોના ફાટી નીકળવાનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે છેલ્લા 8 દિવસમાં એક લાખથી વધુ એક્ટિવ કેસોમાં વધારો થયો છે. 12 માર્ચે દેશમાં 1 લાખ 99 હજાર 22 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી, જે 20 માર્ચે વધીને 3 લાખ 6 હજાર 93 થઈ ગઈ છે.
દેશમાં અત્યાર સુધીમાં 1.15 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.11 કરોડ સાજા થયા છે. 1.59 લાખ લોકોએ જીવ પોતાનો ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.