કિંગ કોહલી અને રોહિતની જોડીએ ભારતને મેચ જીતાડી, રોહિતના કહેવાથી વિરાટે બોલિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને નિર્ણાયક T20 મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ કેપ્ટનશિપમાં પણ પાર્ટનરશિપ દાખવીને ઇંન્ડિયાને મહત્વપૂર્ણ શ્રેણી જીતાડી હતી. શનિવારે અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે 225 રનનો લક્ષ્યાંક ઇંગ્લેન્ડને આપ્યો હતો. તેના જવામાં ઇંગ્લેન્ડ 8 વિકેટના નુકસાને 188 રન જ બનાવી શક્યું હતું. જેના પરિણામે ભારત 36 રને વિજયી થયું હતું.
શનિવારની મેચમાં ઓપનિંગની સાથે રોહિત-કોહલીની જોડીએ ફિલ્ડીંગમાં પણ કેપ્ટનશિપમાં ભાગીદારી દર્શાવી હતી. ભારતે 3-2થી T20 શ્રેણીને પોતાના નામે કરી હતી. આ શ્રેણીમાં ઇંગ્લેન્ડે ભારત પર દબાણ બનાવ્યું હતું, પરંતું અંતિમ 2 નિર્ણાયક મેચોને ભારતે પોતાના ટીમ વર્કથી સારુ પ્રદર્શન દાખવીને વર્લ્ડકપ પહેલા પોતાની દાવેદારી સાબિત કરી દીધી છે. પાંચમી મેચમાં બેટિંગની સાથે વિરાટ-રોહિતે ફિલ્ડિંગમાં પણ એક બીજા સાથે ગેમ-પ્લાનની ચર્ચા કરીને વ્યૂહરચના ઘડી હતી.
બેટિંગ અને ફિલ્ડિંગમાં રોહિત-કોહલી હિટ
પાંચમી T20માં ઇંન્ડિયા ટોસ હારી ગયું હતું, જેના પગલે તેણે પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન માર્ગને આપ્યું હતું. ગત મેચની પિચ પણ બીજી T20માં ઉપયોગમાં લેવામાં આવેલી કાળી માટીની હતી, જેમાં ભારતના પ્રથમ દાવમાં રોહિત અને કોહલી ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. તેમણે 94 રનની પહેલા વિકેટની ભાગીદારી નોંધાવીને ટીમને એક વિશાળ સ્કોર બનાવવા માટે પાયો ઘડવાનું કાર્ય કર્યું હતું. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 2 વિકેટના નુકસાને 224 રનનો વિશાળકાય સ્કોર ઇંગ્લેન્ડ સમક્ષ બનાવ્યો હતો. જેમાં વિરાટે 80 અને રોહિતે 64 રનની ઇંનિંગ્સ રમી હતી. બેટિંગ પછી જ્યારે ભારતીય ટીમ ફિલ્ડીંગ પર ઊતરી ત્યારે પણ બન્ને કેપ્ટન્સની જોડીએ રંગ રાખ્યો હતો.
રોહિતે વિરાટને નિર્ણય બદલવા ટકોર કરી
વિરાટ કોહલીએ 18મી ઓવર માટે પહેલા શાર્દુલ ઠાકુરને પસંદ કર્યો હતો. આ વાતની જાણ થતા રોહિત શર્મા દોડીને તેના પાસે ગયો અને સલાહ આપી હતી કે, ભુવનેશ્વરને બોલિંગ આપવી જોઈએ. કેપ્ટન કોહલીએ પણ તેની વાત માની અને તે ઓવર ભૂવીને આપી હતી. આ ઓવરમાં ડ્યૂ ને કારણે બોલ ઘણો ભીનો હતો, જેથી ભુવીએ સતત બે વાઈડ બોલ નાખ્યા હતા. તેમ છતાં આ ઓવરમાં તેને માત્ર 7 રન આપ્યા હતા. કારણ કે આ ઓવર મેચ માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેવી હતી. તેથી રોહિતે ટીમના સૌથી વધુ અનુભવી બોલરને મેદાનમાં ઉતાર્યો હતો.
20મી અંતિમ ઓવરમાં શાર્દુલે 3 છગ્ગા ખાધા
શાર્દુલ ઠાકુરે મેચની અંતિમ ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. જેમાં તેણે 3 છગ્ગા ખાધા હતા. અગર આ જ ઘટના જો 18મી ઓવરમાં પરિણમી હોત તો ઇંગ્લેન્ડ સરળતાથી મેચમાં વાપસી કરી શકી હોત. શાર્દુલે 4 ઓવરમાં 45 રન આપ્યા હતા, જ્યારે ભુવનેશ્વરે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને ભારતના સ્કોરને ડિફેન્ડ કરવા માટે પોતાનું સારુ એવું યોગદાન આપ્યું હતું