મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય બાદ તેમની પત્ની રશ્મિ ઠાકરે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. મુખ્યમંત્રી અને તેમની પત્નીએ 11 માર્ચે મુંબઇની જેજે હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
કોવિડ -19 રીપોર્ટમાં તે સોમવારે સંક્રમિત મળી આવ્યા હતા. તેમને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન “વર્ષા” ખાતે આઈસોલેશનમાં રાખામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ બે દિવસ પહેલા કહ્યું હતું કે તેઓ રીપોર્ટમાં કોરોના પોઝિટિવ નીકળ્યા છે.
બીએમસીના અધિકારીઓએ કહ્યું કે આદિત્ય ઠાકરેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો રવિવારે રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમની માતા રશ્મિ ઠાકરે પોઝિટિવ મળી આવ્યા હતા. 11 માર્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે તેમની પત્ની અને તેમની માતા સાથે જેજે હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા ગયા હતા. તેમણે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. રશ્મિ ઠાકરેમાં કોરોનાના મામૂલી લક્ષણો છે.
બીએમસીએ કહ્યું કે સીએમ નિવાસસ્થાન પર તૈનાત સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફનું પણ કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરંતુ તે બધા નકારાત્મક હોવાનો અહેવાલ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોનાની લહેર થંભવાનું નામ નથી લઈ રહી. મંગળવારે ફરી એકવાર રાજ્યમાં 28,500 થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે પણ 24,000 કેસ આવ્યા હતા, ત્યારે થોડી રાહત અનુભવાઈ હતી. પરંતુ ફરી એકવાર ચિંતા વધી ગઈ છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાને કારણે 132 મોત
મહારાષ્ટ્ર રાજ્યમાં મંગળવારે 28,699 નવા કેસ સામે આવ્યા હતા છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 2.3 લાખને વટાવી ગઈ છે. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 132 રહ્યો હતો. આ વર્ષમાં પહેલીવાર છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં એક જ દિવસમાં આટલા લોકોનાં મોત નીપજ્યાં હોય. આ મહિનાના 23 દિવસોમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,435 ના મોત થયા છે. અગાઉ ફેબ્રુઆરીમાં 1,072 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
મહારાષ્ટ્રમાં મુંબઇ સિવાય પુના અને નાગપુર જેવા શહેરોમાં પણ કોરોના એક ચિંતાનું કારણ બની ગયું છે. આ દરમિયાન બીએમસીએ હોળીને લઈને આદેશ આપ્યો છે કે જાહેર સ્થળોએ તહેવારની ઉજવણી કરવામાં આવશે નહીં. દરેક વ્યક્તિએ તેમના ઘરે હોળીની ઉજવણી કરવી જોઈએ. કોરોના એક તરફ ચિંતા વધારી રહ્યું છે ત્યારે નેતાઓમાં પણ કેસ વધતા જોવા મળી રહ્યા છે.