ગાંધીનગર

ચૂંટણી જાહેર થયાના 5 દિવસમાં 107 કેસ, હવે પ્રચાર શરૂ થશે !,

જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 39 કેસ નોંધાયા છે, તેમાં મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ 36 કેસ નોંધાયા છે. 20 માર્ચે ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત થઈ હતી. ત્યારથી બુધવાર સુધીના 5 દિવસમાં જ મનપા વિસ્તારમાં કોરોના કેસનો આંકડો 107 પર પહોંચી ચૂક્યો છે. હાલમાં રાજકીય પક્ષો દ્વારા દાવેદારોની સેન્સ લેવાઈ રહી છે અને હવે પ્રચાર પણ શરૂ થશે. આ સ્થિતિમાં કોરોના વકરે, તેવી ભીતિ સ્વાભાવિક છે.

અત્યાર સુધી જિલ્લાની કુલ 8643 વ્યક્તિઓ કોરોનાના ઝપટમાં આવી ગઇ છે. મનપાની ચુંટણીના દિવસો ઘટી રહ્યા છે જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે. આથી કોરોનાના વધતા જતા કેસની સીધી અસર ચુંટણીના મતદાન ઉપર પણ પડી શકે છે. તેની ચિંતા પણ રાજકીય પક્ષોને સતાવી રહી છે. કોરોનાની સારવાર દરમિયાન 69 વર્ષીય વૃદ્ધ અને 77 વર્ષીય વૃદ્ધાના મોતથી અત્યાર સુધી જિલ્લાની 610 વ્યક્તિઓની જીવનલીલા કોરોનાએ સંકેલી લીધી છે.

ગાંધીનગર તાલુકામાં નોંધાયેલા 15 કેસ કુડાસણ, વાવોલ, ભાટ, રાંદેસણ, રાયસણ, સરગાસણ ગામો જે ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવેશ કરાયેલા છે. જ્યારે મનપા વિસ્તારની સરખામણીએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી માત્ર બે જ કેસ નોંધાયા છે. આથી મનપા વિસ્તારમાં વધતા સંક્રમણને નિયંત્રિત નહી કરાય તો આગામી સમય વધારે ચિંતાજનક બની રહેવાની શક્યતા રહેલી છે. સારવારને અંતે વધુ 23 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં જિલ્લાની 7684 વ્યક્તિઓ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. સંક્રમિતોમાં પ્રોફેસર, વેપારી, સિક્યુરીટી જવાન, સેવક, બર્ધર, કુક, વિદ્યાર્થી, ગૃહિણી, ખેડુત સહિતનો સમાવેશ થાય છે.

જિલ્લામાં 100424 વ્યક્તિએ રસી લીધી
જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની વેક્સિન કુલ 100424થી વધુ વ્યક્તિઓને આપવામાં આવી છે. જોકે જુના અને નવા સચિવાલયના કર્મચારીઓ પણ વેક્સિન લઇ શકે તે માટે વેક્સિન સેન્ટરો શરૂ કર્યા છે. જેમાં પ્રથમ દિવસે કુલ 186 કર્મચારીઓને વેક્સિન આપી હતી. જિલ્લાના મનપા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરો તેમજ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન આપવા સેન્ટરો શરૂ કરાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી કુલ 190 વેક્સિનેશન સેન્ટરો શરૂ કરાયા છે. જોકે કોરોનાની વેક્સિનનો લાભ સચિવાલયના કર્મચારીઓ લાભ લઇ શકે તે માટે બુધવારથી નવા અને જુના સચિવાલય ખાતે કુલ-3 વેક્સિનેશન સેન્ટરો શરૂ કરાયા છે. તેમાં નવા સચિવાલયમાં બ્લોક નંબર 7 અને 11 ખાતે જ્યારે જુના સચિવાલયમાં બ્લોક નંબર-5 ખાતે સેન્ટરો શરૂ કર્યા છે.

તેમાં નવા સચિવાલય ખાતે 86 અને જુના સચિવાલય ખાતે 100 કર્મચારીઓએ કોરોનાની વેક્સિનનો લાભ લીધો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. ગાંધીનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો.કલ્પેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ અત્યાર સુધી મનપા વિસ્તારમાં કુલ 30000થી વધુ વ્યક્તિઓએ કોરોનાની વેક્સિન લીધી છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો વેક્સિનેશની કામગીરી અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ જણાવ્યું છે કે જિલ્લામાં કુલ 190 રસીકરણ કેન્દ્રો ખાતે વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં પ્રથમ ડોઝ 70424 લાભાર્થીઓને જ્યારે બીજો ડોઝ 14307 લાભાર્થીઓને આપ્યો છે. તેમાં 45થી 60 વય જૂથના કો-મોર્બિડીટી ધરાવતા કુલ 9964 લાભાર્થીઓ અને 60 વર્ષથી ઉપરની વય જૂથના કુલ 37055 લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપ્યો છે.

મનપા વિસ્તારમાં 52થી 77 વર્ષની 13 અને 33થી 49 વર્ષની 8 વ્યક્તિઓ સંક્રમિત
મનપા વિસ્તારમાંથી નવા 21 કેસમાં સેક્ટર-29માંથી 43 વર્ષીય પ્રોફેસર, 34 વર્ષીય સિક્યુરીટી જવાન, સેક્ટર-3માંથી 39 વર્ષીય ગૃહિણી, 72 વર્ષીય વૃદ્ધ, 62 વર્ષીય વૃદ્ધ, જીઇબીના 52 વર્ષીય અને 56 વર્ષના આધેડ, સેક્ટર-2માંથી 61 વર્ષીય અને 69 વર્ષીય વૃદ્ધો, સેક્ટર-4માંથી 49 વર્ષીય આધેડ, 61 વર્ષીય વૃદ્ધ, 57 વર્ષીય સેવક, સેક્ટર-27માંથી 77 વર્ષીય વૃદ્ધ, 60 વર્ષીય ગૃહિણી, સેક્ટર-30ના 47 વર્ષીય વેપારી, સેક્ટર-7ની 60 વર્ષીય મહિલા, સેક્ટર-24ના 77 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-26ના 59 વર્ષીય ટેકનીશીયન, સેક્ટર-23ના 59 વર્ષીય કુક, સેક્ટર-12ના 33 વર્ષીય સિવિલ હોસ્પિટલના બર્ધર કોરોનાગ્રસ્ત થયા છે. સંક્રમિતોના સંપર્કવાળા 60 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.

ગાંધીનગર તાલુકામાંથી 16 તેમજ દહેગામ અને કલોલ તાલુકાઓમાંથી 1-1 કેસ નોંધાયા
ગાંધીનગર તાલુકામાંથી નવા 16 કેસમાં કુડાસણમાંથી 15 વર્ષીય વિદ્યાર્થી, 32 વર્ષીય ગૃહિણી, 42 વર્ષીય યુવાન, 22 વર્ષીય વિદ્યાર્થીની, 14 વર્ષીય વિદ્યાર્થી, 16 વર્ષીય વિદ્યાર્થી, વાવોલમાંથી 49 વર્ષીય આધેડ, 31 વર્ષીય યુવાન, અડાલજનો 44 વર્ષીય યુવાન, ભાટની 10 વર્ષીય વિદ્યાર્થીની, રાંદેસણમાંથી 38 વર્ષીય વેપારી, 15 વર્ષીય વિદ્યાર્થી, રાયસણનો 33 વર્ષીય વેપારી, સરગાસણમાંથી 52 વર્ષીય આધેડ, 47 વર્ષીય અને 28 વર્ષીય ગૃહિણીઓ કોરોનામાં સપડાઇ છે. જ્યારે કલોલ તાલુકાના સાંતેજની 51 વર્ષીય ગૃહિણી અને દહેગામ તાલુકાના બહિયલના 65 વર્ષીય ખેડુત કોરોનાથી સંક્રમિત થયા છે.

પ્રથમ વખત 6 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટમાં આવ્યા​​​​​​​
છેલ્લા એક વર્ષથી કોરોનાનું સંક્રમણે દરેક ક્ષેત્રને અસર કરી છે. જોકે હાલમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે બુધવારે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ઠ કુડાસણ, ભાટ, રાંદેસણમાંથી કુલ 6 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જે એક જ દિવસમાં આટલા બધા વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા હોય તેવી પ્રથમ ઘટના છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x