ફાગણી પૂનમે ભીડ ટાળવા માટે ડાકોર મંદિર ત્રણ દિવસ બંધ છતાં પદયાત્રીઓનો ઘસારો
ડાકોર
સામાન્ય દિવસોમાં હોળી પૂનમ માટે ડાકોર આસપાસના રસ્તાઓ અગિયારસથી જ ઊભરાવવા લાગતા હોય છે. આ વરસે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી હોળીપૂનમે ડાકોર ભક્તોથી ઊભરાઈ ન જાય તે માટે ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ છતાં ડાકોર તરફના રસ્તાઓ પર પદયાત્રીઓના ટોળેટોળા જોવા મળી રહ્યા છે.
હોળીપૂનમના એક દિવસ અગાઉ ૨૭મી માર્ચથી ડાકોર મંદિર બંધ થવાનું હોવાથી ભક્તો તે પહેલાં ઠાકોરજીના દર્શન કરી લેવા ઉમટી પડયા છે. આજે અમલખી અગિયારસ નિમિત્તે ઠેરઠેરથી ભક્તો પદયાત્રા કરી ડાકોર તરફ આવવા લાગ્યા છે. ડાકોર આસપાસના સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે અગિયારસને દિવસે પણ ૬૦,૦૦૦ જેટલા ભક્તોએ મંદિરમાં આવીને દર્શન કર્યા છે. હોળીપૂનમે મંદિર બંધ હોવાથી વહેલા દર્શન કરી જનારાઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. આ કારણે મંદિરે તકેદારી રાખીને વ્યવસ્થા ગોઠવી છે. જોકે ભક્તોનો ભારે ધસારો જોતાં સરકારી આદેશના લીરેલીરા ઊડી ગયા છે. કોરોનાના ભય વચ્ચે પણ ડાકોરજીની ભક્તિ અને ભક્તોની શ્રદ્ધા અડગ રહી છે. તંત્ર દ્વારા ઉમટી પડેલી ભીડને પહોંચી વળવા અત્યાર સુધી કોઈ પગલાં ભરવામાં નથી આવ્યાં કે કોઈ વિશેષ આયોજનની જાહેરાત કરવામાં નથી આવી.
ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો ભય સામે ભક્તિ અડીખમ
ડાકોરમાં આજે કોરોનાના ફફડાટને ફગાવીને ઠાકોરજીને લઈને સાંજે પોણા છ વાગ્યે અગિયારસનો વરઘોડો નીકળ્યો. જોકે દર વરસે જેમ ગજરાજ પર બેસીને અબીલગુલાલની વર્ષા અને ભજનમંડળીઓની રમઝટ વગેરે જોવા નહોતું મળ્યું. વરઘોડાના આયોજનમાં કોરોના સામે સાવચેતી રાખવામાં આવી હતી. હોળી પૂનમ પૂર્વે અમલખી એકાદશી નિમિત્તે દર વરસે જાય છે તે જ રીતે વરઘોડો નીકળ્યો અને વરઘોડામાં બિરાજી શ્રીજી લક્ષ્મીજીના મંદિરે પધાર્યા. દર વરસે અબીલગુલાલ ઊછાળવામાં આવે છે તેના સ્થાને આ વરસે ફૂલો ઉછાળીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
ગયા વર્ષે ૭૦૧ ધજા ચઢાવાઈને ૩ લાખ લાડુ વેચાયેલા
ગયા વર્ષે કોરોનાનું આંશિક ગ્રહણ વચ્ચે પણ ડાકોરમાં હોળીપૂનમની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી થઈ હતી. ફૂલડોલોત્સવમાં હાજર રહી હજારો ભક્તો ધન્ય બન્યા હતા. ગત પૂનમે યાત્રાળુઓ અને સંઘો દ્વારા ૭૦૧ જેટલી ધજા ચઢાવવામાં આવી હતી. હોળી પૂનમે અંદાજે ૩ લાખ જેટલા લાડુનું વેચાણ થયું હતું. હોળીની ઉજવણીરૂપે રણછોડરાજી સન્મુખ સોનાની પિચકારીમાં કેસુડાના જળ ભરીને ભક્તો પર છંટકાવ કરવામા આવ્યો હતો.