સરકારી શાળાના બે શિક્ષકો કોરોનાગ્રસ્ત છતાં શિક્ષણકાર્ય ચાલુ
મહેસાણા :
મહેસાણા શહેરમાં આવેલી પ્રાથમિક કન્યા શાળા-૨ ના બે શિક્ષકોએ કોરોના રસીનો ડોઝ લીધો હોવા છતાં તેઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તર્કવિતર્ક સર્જાયા છે. બીજી તરફ કોરોનાગ્રસ્ત શિક્ષકો જ્યાં ફરજ બજાવે છે તે શાળામાં હજુ પણ શિક્ષણકાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. ઉપરાંત આ શાળામાં ભણતી છાત્રાઓ પાસે જ થર્મલ સ્ક્રીનીંગ તેમજ સેનેટાઈઝની કામગીરી લેવામાં આવતી હોવાની રાવ ઉઠવા પામી છે. પ્રકાશમાં આવેલી હકીકત બાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક કન્યા શાળા નંબર-૨ આવેલી છે. કોરોના કાળમાં બંધ રહેલી આ શાળામાં રાજ્ય સરકારના આદેશ મુજબ તાજેતરમાં ફરીવાર શિક્ષણકાર્ય ધમધમતું થયું હતું. ધોરણ ૬, ૭ અને ૮ ના વર્ગોમાં વિદ્યાર્થિનીઓની પાંખી હાજરી સાથે અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. દરમિયાન આ શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકોને કોરોનાના લક્ષણો જણાતા તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બન્નેનો રીપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. જોકે કોરોનાગ્રસ્ત બન્ને શિક્ષકો અગાઉથી રજા ઉપર હોવાને કારણે તેઓ અન્ય શિક્ષકો કે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા ન હોવાનું જાણવા મળે છે. આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને અગાઉ બે વાર કોરોનાની રસી આપવામાં આવી હોવા છતાં તેઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં વિવિધ અટકળો તેજ બની છે. બીજી તરફ આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પાસેથી કોરોનાની કામગીરી લેવામાં આવતી હોવાની પણ રાવ ઉભી થઈ છે. મહેસાણાની પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો કોરોનામાં સપડાતા તેમજ થઈ રહેલા આક્ષેપોને પગલે પ્રાથમિક શિક્ષણ તંત્રમાં દોડધામ મચી છે.
કોરોનાની કામગીરી બાળકો પાસે લેવાતી નથી: આચાર્ય
પ્રાથમિક કન્યા શાળા નં. ૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પાસેથી કોરોનાની કામગીરી લેવામાં ાવતી હોવા અંગે શાળાના આચાર્ય ઉષાબેન પટેલે જણાવ્યુ ંહતું કે કુતુહલવશ થર્મલ ગનતી બાળકોએ પોતાના ટેમ્પરેચરની ચકાસણી કરી હતી. કોરોનાની કામગીરી બાળકો નહીં પણ શિક્ષકો વર્ગખંડમાં જઈને થર્મલ સ્ક્રીનીંગની કામગીરી કરે છે. વળી કોરોનાગ્રસ્ત બન્ને શિક્ષકો નાદુરસ્ત તબીયત હોવાતી અગાઉથી રજા પર ગયા હતા અને કોવિડ ગાઈડલાઈન મુજબ શિક્ષણકાર્ય થઈ રહ્યું છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બેઠકોમાં વ્યસ્ત
મહેસાણાની પ્રાથમિક કન્યા શાળા નંબર-૨માં ફરજ બજાવતા બે શિક્ષકો કોરોનામાં સપડાયા તેમજ છાત્રો પાસેથી કોવિડની કામગીરી લેવાતી હોવાના આક્ષેપ અંગે જાણવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગ વ્યાસનો સંપર્ક કર્યો હતો પરંતુ મિટીંગમાં વ્યસ્ત હોવાના બહાને આ અંગે સ્પષ્ટતા કરવાનું તેમણે ટાળ્યું હતું.
બન્ને શિક્ષકોએ રસીના બે ડોઝ લીધા હતા
મહેસાણાની સરકારી શાળાના બન્ને શિક્ષકોએ કોરોના રસીના બે ડોઝ સંપૂર્ણપણે લીધા હતા. છતાં તેમને કોરોના આવતા કોરોના રસીની ગુણવત્તા બાબતે પણ શંકા ઉપજે તેમ છે.