તહેવારોને લઈને ગૃહ મંત્રાલયે નિયમોનું કડક પાલન કરાવવા કર્યો આદેશ
કોરોના વાયરસ (Corona virus)ના કેસ હાલ દેશભરમાં ઝડપથી વધી રહ્યા છે. જે દેશ માટે એક મોટો ચિંતાનો વિષય છે. અમુક રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ જણાઈ રહી છે. તો બીજી તરફ આવતા સપ્તાહથી તહેવારો પણ શરૂ થઈ રહ્યા છે. જેના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Union Ministry of Home Affairs) દ્વારા દરેક રાજ્યના સચિવને પત્ર લખીને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પત્રમાં કહ્યું છે કે, હોળી, શબ-એ-બારાત, વૈશાખી પર્વ,ઈદ સહિતના આવનારા તહેવારોને લઈને દરેક રાજ્યોને સતર્ક રહેવા અને કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. દરેક રાજ્યો એ વાતનું ખાસ ધ્યાન રાખે કે, લોકો કોરોના ગાઈડલાઈનનું બરાબર પાલન કરી રહ્યા છે કે નહીં. વધારે ભીડભાડ વાળી જગ્યાઓ પર લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ વગેરે વસ્તુઓનું પાલન કરાવવું.
આ પહેલા મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રાજ્યોને કોરોનાની તપાસ વધુ ઝડપી બનાવવાનું કહેવામાં આવ્યું હતું. ગાઈડલાઈન મુજબ સંક્રમિતોને તરત ક્વોરોન્ટાઈન કરી તેની સારવાર કરાવવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય જે પણ વિસ્તારમાં કોરોનાના વધારે કેસ નોંધાય તે વિસ્તારે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાનો પણ આદેશ કર્યો છે.
જિલ્લા અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે સાર્વજનિક જગ્યા, ઓફિસ, બજાર, ભીડભાડ વાળા વિસ્તારમાં કોરોના નિયમોનું કડક રીતે પાલન કરાવવું. આ દરમિયાન કડક નિયમોના પાલન સાથે દંડ પણ લગાવી શકો છો. આ સાથે જ કોરોનાના કેસ વધારે નોંધાય તો લોકલ સ્તરે જેમ કે શહેર,વોર્ડ અને પંચાયતમાં ફરી લોકડાઉન લગાવી શકો છો.