ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ : IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
ગાંધીનગર :
IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. GTU કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. GTUના વાઈસ ચાન્સેલર નવીન શેઠ કોરોના પોઝિટીવ આવ્યાં છે. તે ઉપરાંત 2 પ્રોફેસર સહિત 3 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. GTUમા કોવિડ-19ના કુલ 6 કેસ સામે આવ્યા છે. હાલમાં GTU કેમ્પસને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.IIM અમદાવાદમાં પાંચ વિદ્યાર્થીઓ પણ મેચ જોવા ગયા હતાં અને તેઓ કોરોના સંક્રમિત થયા હતાં. IIM અમદાવાદમાં 12 દિવસમાં જ 2 ફેકલ્ટી સહિત 31 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલમાં 30 વિદ્યાર્થી ક્વોરન્ટીનમાં છે.
ગાંધીનગર મનપા વિસ્તારમાંથી 36થી 79 વર્ષના કુલ 22 લોકો કોરોના સંક્રમિત
શુક્રવારે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી સેક્ટર-22નો 36 વર્ષીય નાગરિક બેન્કનો કર્મચારી, સેક્ટર-25ના 45 વર્ષીય ડ્રાઇવર, સેક્ટર-20ના 34 વર્ષીય સીવીલ જજ, સેક્ટર-30માંથી 56 વર્ષીય ગૃહિણી, 46 વર્ષીય વેપારી, 52 વર્ષીય વેપારી, સેક્ટર-26માંથી 64 વર્ષીય ગૃહિણી, 66 વર્ષીય વેપારી, 58 વર્ષીય આધેડ, 60 વર્ષીય વૃદ્ધ, ધોળાકુવાની 45 વર્ષીય ગૃહિણી, સેક્ટર-13માંથી 59 વર્ષીય ગૃહિણી, 47 વર્ષીય એકાઉન્ટટ, સેક્ટર-14નો 37 વર્ષીય યુવાન, સેક્ટર-6માંથી 42 વર્ષીય વેપારી, 41 વર્ષીય મહિલા વકિલ, સેક્ટર-28ના 58 વર્ષીય સુપરવાઇઝર, સેક્ટર-4ના 42 વર્ષીય સિક્યુરીટી જવાન, સેક્ટર-27ના 59 વર્ષીય આધેડ, સેક્ટર-29ની 65 વર્ષીય ગૃહિણી, સેક્ટર-7માંથી 71 વર્ષીય મહિલા, 79 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.
IIMના વિદ્યાર્થીઓએ મેચ જોવા ગયાની વાત છુપાવી
રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહયા છે અને અમદાવાદ શહેર ફરી એકવાર હોટસ્પોટ બની રહ્યું છે. આવામાં અમદાવાદ IIMમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે અને કેમ્પસમાં 38 વિદ્યાર્થી સહિત કુલ 40 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા છે. આમાંથી 5 વિદ્યાર્થીઓ તો એવા છે કે જેઓ ગત 12 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળવા ગયા હતા. સંસ્થાના કુલ 6 વિદ્યાર્થી મેચ જોવા ગયા હતા જેમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં હાહાકાર મચી ગયો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું છે. આમ, મેચમાં વધુને વધુ પ્રેક્ષકો ભેગા કરવાની ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ની લ્હાયમાં અમદાવાદ IIM જેવી સંસ્થાના કુશાગ્ર વિદ્યાર્થીઓની જિંદગી દાવ પર લાગી છે.
અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા
ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્ય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ IIMના 6 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા. આમાંથી 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. AMCમાં ડોમ ઉપર ચેકીંગ કરતા પરંતુ પોતાના વતનના સરનામાં સાથે ટેસ્ટ કરાવતાં હતા. ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી બાદ બાકીના વિદ્યાર્થીઓના ગુરુવારે ચેકીંગ હાથ ધરાયા હતા. જેમાં 17 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. કોરોના ટેસ્ટ કરતાં બે પ્રોફેસર પણ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.