PM મોદીનો બાંગ્લાદેશનો પ્રવાસ પૂરો થતાં જ મંદિરો પર થયા હુમલા, 12 ના મોત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થયાની સાથે જ અહીં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોએ હિંદુ મંદિરો પર હુમલો કરી દીધો. રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં એક ટ્રેનને પણ નિશાન બનાવાઈ. મીડિયા અહેવાલો પ્રમાણે, સમગ્ર બાંગ્લાદેશમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ સાથે હિંસા શરૂ થઈ હતી. તેમાં જણાવાયું છે કે, મોદીની બાંગ્લાદેશ મુલાકાત વિરુદ્ધ ઈસ્લામિક જૂથોએ વિરોધ પ્રદર્શન થયા, જેમાં પોલીસ સાથે ઘર્ષણ થતાં 12 લોકોના મોત થઈ ગયા.
વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના 50મા સ્વતંત્રતા દિવસે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા ત્યાં ગયા હતા. આ દરમિયાન શુક્રવારે રાજધાની ઢાકામાં પોલીસે વિરોધ કરતા લોકો પર અશ્રુવાયુના ગોળા અને રબર બુલેટ પણ છોડ્યા, જેમાં અનેક લોકોને ઈજા પણ થઈ. બાદમાં શનિવારે હજારોની સંખ્યામાં લોકો ચટગાંવ અને ઢાકાના રસ્તાઓ પર દેખાવો કરવા ઉતર્યા, જ્યારે રવિવારે હિફાજત-એ-ઈસ્લામ સંગઠનના કાર્યકરોએ પૂર્વ જિલ્લા બ્રાહ્મણબરિયામાં એક ટ્રેન પર હુમલો કર્યો. તેમણે અનેક વાહનો અને સરકારી ઓફિસોમાં પણ આગચંપી કરી, ત્યારે અનેક લોકોને ગંભીર ઈજા થઈ.
PM મોદીએ દક્ષિણ-પૂર્વ સતખિરામાં આવેલા જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજન-અર્ચન કર્યું હતું. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. તેઓએ કહ્યું હતું કે, ‘મેં પ્રાર્થના કરી હતી કે માં કાલી દુનિયાને કોરોના મહામારીથી મુક્તિ અપાવે.’ નરેન્દ્ર મોદીએ કાલીકા માતાની પ્રતિમાને હસ્ત કલાકારો દ્વારા બનાવેલો મૂગટ પણ ચઢાવ્યો હતો. આ મુગટ ચાંદીનો બનેલો છે, જેમાં સોનાની પરત ચઢાવવામાં આવી છે. આ મૂગટને બનાવવા માટે પારંપરિક કલાકારોને લગભગ 3 અઠવાડિયા સુધીનો સમય લાગ્યો હતો.