મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસે કયા ઉમેદવારને આપી ટિકીટ, જાણો.
મોરવા હડફ :
પંચમહાલ (Panchmahal) જિલ્લામાં મોરવા હડફ પેટા વિધાનસભા ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ગયા છે. મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી આગામી 17 એપ્રિલના રોજ યોજાશે. પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાટનુ અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી.
મોરવા હડફ પેટા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાડી રહ્યું છે. મોરવા હડફ પેટા વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે હજુ સુધી નામ જાહેર કર્યું નથી. પરંતુ કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા સુરેશ કટારાને ટિકિટ આપવામાં આવી છે. તો બીજી તરફ મોરવ હડફ વિધાનસભા બેઠક આદિવાસી ઉમેદવાર માટે રિઝર્વ છે. સુરેશ કટારા હાલ મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના સરપંચ છે.
મોરવા હડફની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસમાંથી દાવેદારી કરનાર સંભવિત દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા. 4 નિરીક્ષકોએ કોંગ્રેસ પક્ષ તરફથી 11 જેટલા દાવેદારો સાથે ચર્ચા કરી હતી. દરેક દાવેદારો અને તેમના સમર્થકો સાથે નિરીક્ષકોએ ચર્ચા કરી માહિતી મેળવીને ઉમેદવારના નામ પર મહોર મારી હતી. કોંગ્રેસના નિરીક્ષકો તરીકે પ્રભાબેન તાવીયાડ, નારણભાઈ રાઠવા, ઘનશ્યામભાઈ ગઢવી, ભગુરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર 2017 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર ખાંટ અપક્ષ ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા બાદમાં ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું હોવા અંગેનો મામલો સામે આવ્યો હતો અને તેઓને ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેની સામે હાઇકોર્ટમાં ભુપેન્દ્ર ખાંટ દ્વારા અપીલ કરવામાં આવી હતી દરમિયાન બીમારીને લઈને ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયું હતું.