મોરવા હડફ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે આપી મહિલાને ટિકિટ
ગાંધીનગર:
ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની મોરવા હડપ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસ બાદ આજે ભાજપે પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધુ છે. ભાજપ તરફથી સત્તાવાર રીતે નિમિષાબેન સુથારને ટિકિટ આપવામાં આવી છે. 17 એપ્રિલે યોજાવા જઈ રહેલી પેટાચૂંટણી માટે ગઈકાલે જ કોંગ્રેસ તરફથી સુરેશ કટારાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સુરેશ કટારા છેલ્લા 25 વર્ષોથી કોંગ્રેસના સક્રિય સભ્ય છે અને ખેતી સાથે સંકળાયેલા છે. તેઓએ 10 વર્ષ સુધી સાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવાઓ આપી છે. જ્યારે ભાજપે મહિલાને ટિકિટ આપતા પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે.
ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર ભુપેન્દ્ર ખાંટ 2017માં અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જો કે તેમના જાતિ પ્રમાણ પત્રને લઈને વિવાદ થતા વિધાનસભા અધ્યક્ષે તેમનું સભ્યપદ રદ્દ કરી દીધુ હતું.
આ બેઠક આદિવાસી ઉમેદવાર માટે અનામત છે. પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાટનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી. આથી ચૂંટણી પંચ દ્વારા આ બેઠક ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકાયા છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી પ્રચાર માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે.