પાટનગર યોજના વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં : કર્મચારી/અધિકારીઓ પાસેથી રૂ.43 લાખ ભાડું વસૂલવાનું બાકી
ગાંધીનગર:
ગુજરાતમાં ટ્રાન્સફર થયા પછી કે નિવુત્તિ પછી પણ મકાન ખાલી નહીં કરતાં હોવાનો વિવાદ અનેક વખત સર્જાય છે. પરંતુ ગુજરાતના પાટનગર સમા ગાંધીનગર શહેરમાં તો નિવૃત્તિ બાદ પણ 450 નિવૃત અધિકારી કે કર્મચારીઓ સરકારી આવાસ ખાલી નહીં કરતાં હોવાની હકીકતનો પર્દાફાશ થવા પામ્યો છે. તેથીય વિશેષ આ 450 કર્મચારીઓ પૈકી 120 સામે સરકારે કેસો કર્યા છે. બાકીના સામે કાર્યવાહી ચાલી રહી છે. જયારે 72 નિવૃત્ત કર્મચારી/અધિકારીઓ પાસેથી 42,94,788ની રકમ વસૂલવાની બાકી હોવાનો ચોંકાવનારો આંકડો પ્રકાશમાં આવ્યો છે.
સરકારી નોકરીમાં કેટેગરી પ્રમાણે સરકારી કર્મચારી તથા અધિકારીઓને કવાર્ટસ ફાળવવામાં આવતાં હોય છે. આ કવાર્ટસમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોય છે. ટ્રાન્સફર કે પછી નિવૃત્તિના કિસ્સામાં કર્મચારી કે અધિકારીઓએ સરકારી કવાર્ટસ ખાલી કરી દેવાના રહે છે. પરંતુ આવું થતું નહીં હોવાના કિસ્સાંઓ ઘણી વખત ન્યૂઝ પેપરમાં ચમકતાં હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલી વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ગાંધીનગર શહેરમાં નિવૃત્તિ બાદ પણ સરકારી આવાસ ખાલી નહીં કરતાં કર્મચારી/અધિકારીઓ વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તેથીય વિશેષ કેટલાં કર્મચારીઓએ આવાસ વધુ સમય રાખવા માટેની અરજીઓ કરવામાં આવી છે અને કેટલાં અધિકારી / કર્મચારીઓની પાસે ભાડું વસૂલવાનું બાકી છે.
આ પ્રશ્નોના નાયબ મુખ્યમંત્રી ( માર્ગ અને મકાન ) દ્વારા જવાબ પાઠવવામાં આવ્યો છે કે મકાનની ફાળવણી વર્ગવાર કરવામાં આવતી નથી. પરંતુ સરકારના અધિકારી/ કર્મચારીઓને મળતા મૂળ પગાર મુજબ આવાસની કેટેગરી મળવાપાત્ર છે. આવાસ ઉપલબ્ધ હોય તે પ્રમાણે કર્મચારી/અધિકારીને મકાન ફાળવવામાં આવતું હોય છે. બાકીની પડતર અરજીઓ મકાન ઉપલબ્ધ થાય ત્યારે મકાન ફાળવવામાં આવે છે. નિવૃત્ત થયા બાદ સરકારી અધિકારી/ કર્મચારીએ મકાન ખાલી કરવાનું રહે છે. પણ કેટલાંક લોકો સામાજિક કારણોસર મકાન વધુ સમય રાખવા માટે અરજી કરતાં હોય છે. તે પરિસ્થિતિને અનુરૂપ તેનો નિર્ણય કરવામાં આવે છે. નિવૃત્તિ બાદ પણ મકાન ખાલી નહીં કરનારા 450 સરકારી અધિકારી/કર્મચારીઓ છે. તેમાંથી 120 સામે ઇવિકશન કોર્ટમાં કેસ દાખલ કર્યાં છે. જેના ચુકાદા આવેલ નથી. અન્ય બાકી સામે ઇવિકશન કોર્ટ કેસ કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે. આ નિવૃત્ત અધિકારી/કર્મચારી પૈકી 72 અધિકારી/ કર્મચારીઓ પાસેથી રૂપિયા 42,94,688 વસૂલાત કરવાની કાર્યવાહી ચાલુ છે.