ડાકોરમાં બંધ બારણે હોળી-ધૂળેટીની એક સાથે ઉજવણી
ડાકોર :
ખેડા જિલ્લાના પવિત્ર તીર્થસ્થળ ડાકોરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હોળીધૂળેટીનો ઉત્સવ ઉજવાયો. ઈતિહાસમાં પહેલીવાર રાજા રણછોડને ત્યાં હોળીપૂનમ અને ધૂળેટીના ફૂલડોલોત્સવની એક સાથે ઉજવણી બંધબારણે થઈ. ભક્તો માટે મંદિરના દરવાજા બંધ હોવા છતાં લાઈવ પ્રસારણ દ્વારા લાખો ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી. વરસોવરસ જ્યાં હોળીપૂનમે ૧૦ લાખ જેટલા ભક્તોનો ઘોડાપૂર ઉમટતો હતો, ત્યાં આજે ડાકોર શહેર અસંખ્ય પોલીસોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મંદિરમાં બંધબારણે મંગળાઆરતી થઈ, ધજા પણ ચઢાવવામાં આવી સાથોસાથ ભગવાનને ફૂલડોલોત્સવથી ધૂળેટી પણ રમાડવામાં આવી. રાજા રણછોડને પહેલીવખત હોળીના દિવસે ધૂળેટીના રંગો પણ નીરસતાથી ચડાવ્યા હોય તેવી ભાવના ભક્તો અને પૂજારીઓમાં ફેલાઈ ગઈ.
યાત્રાધામ ડાકોર મંદિરમાં હોળી પૂનમનો ભવ્ય ઉત્સવ યોજાતો હોય છે. જોકે આ વરસે કોરોના મહામારીને કારણે ઉત્સવના દિવસોમાં ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે બંધ બારણે મંદિરની તમામ પરંપરાગત પૂજાવિધિઓ ચાલુ રાખવામાં આવી છે. તે જ રીતે શ્રદ્ધાળુઓને ડાકોર આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે, પણ ભક્તો દર્શન તેમ જ આરતીનો લાભ લઈ શકે તે માટે ચેનલો પર અને ખાનગી વેબસાઈટ પર ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ આજે ડાકોરમાં ખડેપગે જોવા મળ્યા હતા. દર વર્ષે હોળીપૂનમને દિવસે ડાકોરમાં ૧૦ લાખથી વધુ લોકો અને ૧૫૦૦થી વધારેનો પોલીસ બંદોબસ્ત જોવા મળતો હોય છે તે સામે આ વર્ષે સ્થાનિકો સિવાય કોઈને જોવા મળ્યું નથી અને શહેરમાં ૩૮૦ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિરમાં સવારે ધજારોહણની વિધિ અધિકારીઓએ સંપન્ન કરાવી. આજે દિવસે સવારે સવા છ વાગ્યે રણછોડરાયજીની આરતી ઊતારવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ ભોગ ધરાવવામાં આવ્યા અને પૂનમની રાબેતા મુજબની ઉજવણી કરવામાં આવી. મંદિરમાં સરકારી ગાઈડલાઈન પ્રમાણે પૂજાવિધિ અને ધજારોહણ કરવામાં આવ્યા. મંદિરમાં આવેલી ધજાનો આંકડો ૭૦૦ ઉપર પહોંચ્યો છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધી માત્ર પાંચ ધજા ચઢાવવામાં આવી હતી. હોળી ઉજવાયા બાદ ફૂલડોલોત્સવની ઉજવણી પણ કરવામાં આવી. રણછોડરાયજીને આસોપાલવ અને ફૂલોના પારણે ઝુલાવવામાં આવ્યા. સવારે ૯થી ૧૧ વાગ્યા સુધી ગોપાલલાલાને ચાંદીની થાળીમાં કપૂરની આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ મહાભોગ ધરાવી તેમને પોઢાડવામાં આવ્યા.
શ્રદ્ધાળુઓ માટે હોળી પૂનમ વર્ષની સૌથી મોટી પૂનમ હોવાને કારણે ડાકોરમાં આ દિવસે ભક્તોનો ઘોડાપૂર ઊભરાતો હોય છે. અમદાવાદ-વડોદરા તરફથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને દર્શનાર્થે આવતા હોય છે. આ વર્ષે કોરોનાને કારણ સરકારે મંદિર બંધ રાખવાનો અને પદયાત્રીઓને ન આવવાનો હુકમ કર્યો છે. આમ છતાં અગિયારસથી દૂરદૂરથી પદયાત્રીઓ ડાકોરમાં આવવા લાગ્યા હતા. તે માટે ડાકોરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્રણ દિવસ સુધી મંદિર ભક્તો માટે બંધ છે, પણ મંદિરમાં તમામ ધાર્મિક વિધિઓ બંધબારણ ચાલુ રહેશે. જિલ્લા તંત્ર દ્વારા ભક્તોને ઘરે રહીને લાઈવ દર્શન કરવાની અપીલ કરવામાં આવી છે.
ઠાકોરજીને સોનાની પિંચકારીથી કેસૂડાનો રંગ છાંટી હોળી રમાડાઈ
હોળીપૂનમે ઠાકોરજીને મનોમહક શણગાર કરવામાં આવ્યો હતો. શ્વેત વસ્ત્રોમાં સજ્જ ઠાકોરજીને રંગબેરંગી શણગાર સજાવવામાં આવ્યા હતા. સોનાની પિચકારીથી કેસૂડાના જળ છાંટી તેમને હોળી રમાડવામાં આવી હતી. પહેલીવાર ભક્તો ઠાકોરજીના રંગે રંગાયા વગર રહ્યા હતા. માત્ર મંદિરના સેવકભાઈઓએ ઠાકોરજી સાથે હોળી રમી હતી. દર વર્ષની ભવ્ય ઉજવણીની સરખામણીનાં આ વર્ષે હોળીપૂનમ નિરુત્સાહી જોવા મળી હતી.
પદયાત્રિઓને ડાકોરમાં પ્રવેશતા અટકાવવા 380 પોલીસ કર્મચારીઓને ખડકાયા
પદયાત્રીઓને ડાકોરમાં પ્રવેશતાં અટકાવવા શહેરમાં ૩૮૦ જેટલા પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. તેમાં ૧ ડિવાયએસપી,ે ૧ પીઆઈ, ૬ પીએસઆઈ, ૧૨૦ પોલીસ જવાન, ૩૦ મહિલા પોલીસ, ૧૦૦ હોમગાર્ડ, ૯૨ જીઆરડી અને ૩૦ જેટલા ટીઆરબીનો સમાવેશ છે. પૂનમને દિવસથી પોલીસે ગાયોના મુવાડાથી સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને દઈને અમદાવાદ તરફથી આવતા પદયાત્રીઓને અટકાવવાની વ્યવસ્થા કરી હતી. ડાકોરમાં પ્રવેશવા માટે યાત્રાળુઓએ મુખ્ય રસ્તાઓને સ્થાને ખેતરોના અને બીજા માર્ગ આવવા લાગ્યા હતા. સવારે ૩ વાગ્યે ડાકોરમાં પ્રવેશ માટે યાત્રાળુઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળ્યો હતો. પોલીસ તંત્રએ ડાકોરમાં પ્રવેશવાના બધા માર્ગો પર ચાંપતી નજર રાખી છે. કપડવંજ રોડ પરથી પ્રવેશવાનો માર્ગ બંધ કર્યો છે.
ઉમરેઠ પરથી આવતો માર્ગ પણ બંધ કર્યો છે. તમામ માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને પદયાત્રીઓને ડાકોરમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે.
ફાલ્ગુની નક્ષત્ર સમાપ્ત થતું હોવાથી એકસાથે હોળી-ધૂળેટીની ઉજવણી
ડાકોર : ડાકોરમાં હોળી ધામધૂમથી ઉજવાય છે અને ફૂલડોલનો વિશેષ મહિમા છે. આ વર્ષે કોરોનાને લીધે બંધબારણે ઉજવણી શરૂ કરવામાં આવી. ડાકોર મંદિર પુષ્ટીમાર્ગીય હોવાથી અને બપોર પછી ફાલ્ગુની નક્ષત્ર ઉતરી જતું હોવાથી હોળી સાથે ધૂળેટીની પણ પરંપરાગત ઉજવણી કરવામાં આવી. સવારે ભગવાનને તિલક કરીને હોળીહારડા ધરાવવામાં આવ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજને ફૂલડોલ પર બિરાજમાન કરવામાં આવ્યા. ત્યાં તેમને નવ રંગોથી પાંચ વખત હોળીધૂળેટી રમાડવામાં આવી. આ પાંચ ખેલમાં પહેલા ચાર ખેલમાં કપૂરની આરતી ઉતારવામાં આવી અને છેલ્લા ખેલમાં નવ રંગોથી રંગાયેલા ભગવાનને તિલક કરી, ચાંદીના તાસ પર કપૂર આરતી ઊતારીને ફૂલડોલની સમાપ્તિ કરવામાં આવી. ત્યારબાદ શ્રીજીની નજર ઊતારીને તેમને પોઢાડવામાં આવ્યા. શ્રીજી મહારાજને હોળીનો રંગ ફીક્યો પડયો અને ભક્તો વગરની નીરસ હોળી શ્રીજી રમ્યા હોવાની લાગણી પૂજારીઓને થઈ આવી હતી. ફૂલડોલનો ઉત્સવ સવારે ૯થી ૧૧માં પૂર્ણ કરવામાં આવ્યો.