ગાંધીનગરના પોર, ખોરજ અને વલાદ ગામમાં 400 વર્ષની પરંપરા અનુસાર હોળી ધુળેટીનો પર્વ ઉજવાય છે
હોળી પર્વનું નામ આવે કે તરત જ આપણા માનસપટ પર અવનવા રંગબેરંગી રંગો સામે આવી જાય છે. ગાંધીનગર નજીક આવેલા પોર- ખોરજ અને વલાદ ગામમાં રંગોથી નહીં પણ રંગીન મીજાજથી ધૂળેટી ઉજવવામાં આવે છે. જેમાં ગામના યુવાનો મુખ્ય રામ-રાવણનું રૂપ ધારણ કરે છે આ સાથે મહાકાળી માતા, હનુમાનજી સહિત અન્ય દેવી દેવતાઓ તથા આજના યુગના નેતા-અભિનેતા અને કાર્ટુન કેરેક્ટર્સની વેશભૂષા કરવામાં આવે છે એટલુ જ નહીં, ગામમાં વેશભૂષા કરીને આ યુવાનો ફરે છે 400 વર્ષથી ઉજવાતી આ ‘જેર’ની પરંપરાને મોટી સંખ્યામાં ગ્રામજનો નીહાળવા આવે છે.
200 જેટલા યુવાનો વિવિધ વેશભૂષા ધારણ કરે છે
જેમ જેમ પેઢીઓ બદલાઇ રહી છે તેમ તેમ પર્વની ઉજવણીની રીતો પણ બદલાઇ રહી છે. પહેલાંના સમયમાં કેસુડાના પાણીથી હોળી રમવામાં આવતી હતી કાળક્રમે પ્રાકૃતિક રંગો અને ત્યાર બાદ હાલ પ્લાસ્ટિક અને ઓઇલવાળા કલરથી પણ ઘણા યુવાનો હોળી રમે છે. તેવી સ્થિતિમાં શહેરીકરણની હવા લાગવાને કારણે ગામડાઓમાં પણ પર્વની ઉજવણીની પરંપરા તૂટી રહી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા પોર અને ખોરજ ગામમાં વર્ષોથી ધૂળેટી પર્વની વેશભૂષા ધારણ કરીને ઉજવણી કરવામાં આવે છે. આ વેશભૂષાની પરંપરાને સ્થાનિકો વડીલો ‘જેર’ પણ કહે છે ત્યારે ધુળેટીના દિવસે ગામના 200 જેટલા યુવાનો વિવિધ વેશભૂષા ધારણ કરીને ગામમાં ફર્યા હતા. ગ્રામજનોના કહેવા પ્રમાણે છેલ્લી ચાર સદીઓ એટલે કે, 400 વર્ષથી પોર ગામમાં ધૂળેટીએ વેશભૂષા એટલે કે જેર કરવામાં આવે છે. જેમાં ગામના યુવાનો મુખ્યત્વે રામ-રાવણના વેશ ધારણ કરે છે.
400 વર્ષથી ચાલી આવતી પરંપરા
આ ઉપરાંત મહાકાળી-દુર્ગા માતા, હનુમાનજી, ગણપતીજી, શંકર-પાર્વતી સહિત અન્ય દેવી દેવતાઓના વેશ પણ કાઢવામાં આવે છે. એટલુ જ નહીં, પહેલાના વખતમાં દેવી દેવતાના વેશ સુધી જ આ જેર પ્રથા સીમીત હતી જે હવે નેતા અને અભિનેતાના પણ વેશ કાઢવામાં આવે છે અને બાળકોના મનોરંજન માટે કાર્ટુન કેરેક્ટર્સ પણ ભજવવામાં આવે છે. તો પાંદડાઓ પહેરીને આદિવાસીના વેશ ધારણ કરવાની સાથે તેમના નૃત્ય પણ યુવાનો કરતા હોય છે. ગામમાં આ વેશભૂષા જોવી પણ એક અલગ જ લાહવો હોવાને કારણે ગઇકાલે ભજવાયેલી વેશભૂષા જોવા મોટીસંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા. એ જ રીતે ખોરજ ગામમાં પણ આશરે 400 વર્ષથી હોળીની પરંપરાનું આજે 21મી સદીમાં પણ અનુકરણ કરવામાં આવી રહી છે જેમાં ગામના ઠાકોર જ્ઞાતિનીના યુવકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરીને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.
300 વર્ષ પહેલાં મહાકાળી માતાની અખંડ જ્યોત લાવવામાં આવી
આ ઉજવણી માટે બે મહિના પહેલાથી મહેનત શરુ કરી દેવામાં આવતી હોય છે તો પટેલ અને ઠાકોર જ્ઞાતિની વસતી વધુ હોવાની સાથે તમામ કોમના લોકો આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે છે. જ્યારે ગાંધીનગરના વલાદ ગામ માં પણ વર્ષ પર પરંપરાગત રીતે હોળીનો પર્વ ઉજવવામાં આવે છે આ ગામના ઇતિહાસ મુજબ આશરે 300 વર્ષ પહેલાં પાવાગઢથી મહાકાળી માતાની અખંડ જ્યોત લાવવામાં આવી હતી. જેને વલાદ ગામમાં ભાગોળના મહાકાળી મંદિરે પ્રસ્થાપિત કરવામાં આવી છે. સદીઓ બાદ પણ આ ગામમાં માતાજીની અખંડ જ્યોત પ્રજ્વલિત છે હોળીની સાંજે ગામની ભાગોળે રહેતા ગૌતમભાઈ રતિલાલના ઘરેથી માતાજીનો વરઘોડો કાઢવામાં આવે છે. જે વરઘોડો આખા ગામમાં ફરે છે બાદમાં ભવાઈ પણ યોજવામાં આવે છે. વંશ પરંપરાગત ચાલતી આ પ્રથાને આજે પણ વલાદ ગામના ગ્રામજનો અનુસરી રહ્યા છે.