દેશમાં કોરોનાથી 355 નાં મૃત્યુ, 53,125 નવા કેસ નોંધાયા
નવી દિલ્હી :
દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,125 નવા કેસ નોંધાયા, 41217 દર્દી સાજા થયા અને 355નાં મૃત્યુ થયાં છે. મૃત્યુનો આંકડો છેલ્લા 104 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં 16 ડિસેમ્બર 356 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મંગળવારે એકલા મહારાષ્ટ્રમાં જ 139 લોકોનાં મૃત્યુ થયાં. રાજ્યમાં આ સતત છઠ્ઠો દિવસ હતો, જ્યારે 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યારસુધીમાં 1.21 કરોડ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.62 લાખે જીવ ગુમાવ્યા છે, 5.49 લાખની સારવાર ચાલી રહી છે.
કોરોનાં અપડેટ્સ
1 એપ્રિલથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. આ અંતર્ગત વેક્સિન લેવા માટે CoWIN પોર્ટલ પર 1 એપ્રિલ એટલે કે ગુરુવાર બપોરે 3 વાગ્યા પછી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. એ પછી સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં જઈને વેક્સિન લઈ શકાશે.
કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના ખતરનાક બ્રિટન અને બ્રાઝિલિયન વેરિઅન્ટની વિરુદ્ધ કોવેક્સિન અને કોવિશીલ્ડની રસી પ્રભાવી છે. દક્ષિણ આફ્રિકાના વેરિઅન્ટને લઈને રિસર્ચ ચાલુ છે. એનાં રિઝલ્ટ ઝડપથી પ્રકાશમાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્યસચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં ભારતમાં 807 UK વેરિઅન્ટ, 47 દક્ષિણ આફ્રિકાના વેરિઅન્ટ અને 1 બ્રાઝિલિયન વેરિઅન્ટનો કેસ મળ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 10 જિલ્લામાં એક્ટિવ કેસ સૌથી વધુ છે. એમાં પુણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગલુરુ, નાંદેડ, દિલ્હી અને અહમદનગરનો સમાવેશ થાય છે.
મહાકુંભમાં 1 એપ્રિલથી 12 રાજ્યના શ્રદ્ધાળુઓ માટે RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવવો અનિવાર્ય કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ 72 કલાકથી જૂનો ચાલશે નહિ. આ રાજ્યોમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ, તામિલનાડુ, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સામેલ છે.