શું જિલ્લા લેવલે ફરી લાગી શકે છે લોકડાઉન? કોરોના કેસ વધતાં કેન્દ્ર સરકાર હરકતમાં આવી.
નવી દિલ્હી :
ભારતમાં કોરોના વાયરસની નવી એક લહેર ચાલી રહી છે. મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં ચિંતા વધી રહી છે ત્યારે ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે કે જિલ્લા સ્તરમાં કન્ટેનમેન્ટ ઝોન સુધી સીમિત ન રહો પરંતુ જિલ્લા સ્તર પર લોકડાઉન જેવી પરિસ્થિતિના પ્રતિબંધો લગાવી શકાય છે.
મોટા કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવા આદેશ
રાજ્યોને કેન્દ્રએ સલાહ આપી છે કે માત્ર પરિવારોને આઇસોલેટ કરી દેવાથી ફાયદો નહીં થાય. આવા મામલાઓમાં મોટા મોટા કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવાની જરૂર છે જેની સીમા સ્પષ્ટ હોય અને ત્યાં કડકાઇથી પ્રતિબંધો લાગુ કરવામાં આવે. આ પ્રકારના પ્રતિબંધ ઓછામાં ઓછા 14 દિવસ સુધી લાગુ કરવા જરૂરી છે.
વહેલામાં વહેલી તકે રસી આપી દેવામાં આવે
કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે જે જિલ્લાઓમાં પહેલા વધારે કેસ આવતા હતા ત્યાંથી ફરીવાર કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ બધા માટે ઢીલાઈ જવાબદાર છે. કેન્દ્રએ રાજ્યોને એમ પણ સલાહ આપી છે કે જે જિલ્લાઓમાં વધારે કેસ સામે આવી રહ્યા છે ત્યાં બે અઠવાડિયા અંદર 45 વર્ષથી ઉપરની આયુના બધા જ લોકોને રસી આપી દેવામાં આવે.
રાજ્યોની બેદરકારી પર કેન્દ્રની સખ્તી
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યોના સચિવોને પત્ર લખ્યો જેમાં આ વાત કહેવામાં આવી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે આ સમયે કરવામાં આવતી બેદરકારીની ભારે કિંમત ચૂકવવી પડશે. કેન્દ્રએ સાફ શબ્દોમાં રાજ્યોને ચેતવણી આપતા કહ્યું છે કે આઇસોલેશનના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે પરંતુ તેમની યોગ્ય તપાસ કરવામાં આવી રહી નથી. આ પ્રકારની લાપરવાહી ચલાવી ન લેવાય.